Gujarat

જૂની ડ્રેનેજ લાઇન જર્જરિત થતા ભંગાણ પડતા તાકીદનું રિપેરિંગ

By GS TEAM
9 Aug 20251 min read
જૂની ડ્રેનેજ લાઇન જર્જરિત થતા ભંગાણ પડતા તાકીદનું રિપેરિંગ

 વડોદરા,શહેરમાં ત્રણ સ્થળે વર્ષો જૂની ડ્રેનેજ લાઇન જર્જરિત થતા તેમાં ભંગાણ પડવાથી ડ્રેનેજ ચોકઅપ થવાના પ્રશ્નો ઊભા થતા રિપેરિંગ માટે આશરે ૨૧ લાખનો ખર્ચ થયો હતો, જેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર કરાઇ હતી.

શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં વહીવટી વોર્ડ નં.૧૬માં કલાદર્શન સર્કલથી વાઘોડિયા પંપિંગ તરફ ૩૬ મીટરના મુખ્ય રોડ પર વાઘોડિયા પંપિંગ સ્ટેશન તરફ જતા ૧૬ ફૂટની ઊંડાઇએ ડ્રેનેજ ગ્રેવિટી લાઇન વર્ષો જૂની હતી. જે જર્જરિત બનતા તેવાં ભંગાણ થયું હતું. આ લાઇન ૧૮ ઇંચ ડાયામીટરની હતી. ભંગાણને લીધે ઉપરના વિસ્તારની રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાથી જાહેર આરોગ્યના પ્રશ્નો ઊભા થયા હતા. જેથી આ કામગીરી તાકીદે કરાવવી પડી હતી. જેની પાછળ ૧૩.૧૯ લાખ ખર્ચ થયો હતો. વોર્ડ ૧૧માં ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ અરૃણદીપ કોમ્પ્લેક્સ પહેલા વર્ષો જૂની ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં પડેલું ભંગાણ રિપેર કરાવવા પાછળ ૧.૬૮ લાખ ખર્ચ થયો હતો. જ્યારે વેમાલી સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બહાર પંપિંગ સ્ટેશનમાંથી જતી મેન ડ્રેનેજ લાઇન તૂટતા લાઇન કામચલાઉ પંપો મૂકી પાણી ઉલેચીને રિપેર કરાવતા ૬.૧૪ લાખનો ખર્ચ થયો હતો.