Get The App

મોરબી જિલ્લામાં આગામી ચોમાસાને અનુલક્ષીને એક્શન પ્લાન ઘડવા તાકીદ

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
મોરબી જિલ્લામાં આગામી ચોમાસાને અનુલક્ષીને એક્શન પ્લાન ઘડવા તાકીદ 1 - image


વર્ષાઋતુના આગોતરા આયોજન માટે સંબંધી અધિકારીઓ સાથે ક્લેકટરની બેઠક

હવે ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડે છે, એ પેટર્નને જાણીને પ્રિ-મોન્સુન કામગીરી સહિતની તૈયારી કરવા ક્લેકટરની સૂચના

મોરબી: આગામી વર્ષાતુના આગોતરા આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેક્ટરે બેઠક યોજી મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ચોમાસાની નવી પેટર્ન પ્રમાણે એક્શન પ્લાન ઘટવા માટે તાકિદ કરી હતી.

ખાસ બેઠક અન્વયે કલેક્ટરે પાંચે તાલુકાના લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી ભૂતકાળની પરિસ્થિતિના અભ્યાસ તેમજ યોગ્ય સર્વે પરથી ચોમાસામાં કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ ન રહે. તે માટે યોગ્ય આયોજન કરવા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો લોકોને સ્થળાંતરિત કરવા, ભારે વરસાદની પરિસ્થિતિમાં જો વીજપોલ પડી જાય તો તે માટે વધારાના વીજ પોલ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા, નદીના પટમાં બિનજરૂરી અવરોધ દૂર કરવા, ભયજનક મકાનો દૂર કરવા, કોઝ-વે પર ભયજનક સપાટી દર્શાવતા સાઈન બોર્ડ સુનિશ્ચિત કરવા, અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ, જરૂરી દવાઓ, જંતુનાશક દવાઓ તથા પાવડરનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

વર્ષાઋતુુના આગોતરા આયોજનમાં કલેક્ટરે કે.વી. ઝવેરીએ જણાવ્યું હતું કે, હવે વરસાદની પેટર્ન બદલાઈ છે ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડી શકે છે. ત્યારે ભારે વરસાદ અન્વયે સર્વેની કામગીરી, રાહત બચાવની કામગીરી વરસાદ તેમજ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનું સમયસર રિપોર્ટિંગ થાય તે જરૂરી છે. ઉપરાંત તેમણે તરવૈયા,  આશ્રયસ્થાનો,  સ્વયંસેવકો અને આપદા મિત્રોની યાદી સુનિશ્ચિત કરવા તથા રાઉન્ડ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચના આપી હતી.

Tags :