મહુધા, માતર અને વસો તાલુકામાં ઉપસરપંચની ચૂંટણીનો ધમધમાટ
- ગ્રામ પંચાયતની પ્રથમ સભા બોલાવાશે
- માતરમાં તા. 21, મહુધામાં 16 મીએ અને વસોમાં તા. 17-18 મીએ ચૂંટણી યોજાશે
ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાત ગ્રામ પંચાયતો સમરસ થવા સાથે ૪૭ મહિલા જ્યારે ૪૪ પુરુષ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ ચારમાં સપ્તાહમાં ગ્રામ પંચાયતને પ્રથમ સામાન્ય સભા બોલાવવાની હોય છે. જેમાં તાલુકાના નિયુક્ત અધિકારીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજવામાં આવતી હોય છે. જે મુજબ માતર તાલુકામાં તા.૨૧/૭/૨૫ના રોજ રતનપુર સંધાણા, હૈજરાબાદ, વણસર વસ્તાણા, સિંજીવાડા, દેથલી સહિત ૧૪ ગ્રામ પંચાયતોની પ્રથમ સામાન્ય સભા યોજાશે. જેમાં નવા ચૂંટાયેલા સરપંચના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાશે. જ્યારે વસો તાલુકામાં તા.૧૭ અને ૧૮ જુલાઈના રોજ સાત ગ્રામ પંચાયતો જેમાં રામોલ, થલેડી, કલોલી, પેટલી, નવાગામ હેરંજ અને મલીયાતજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાશે. મહુધા તાલુકામાં ચાર ગ્રામ પંચાયતોમાં તા.૧૬ જુલાઈના રોજ સામાન્ય સભામાં તાલુકાના નિયુક્ત અધિકારીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાશે. નડિયાદ તાલુકામાં દાવડા ગ્રામ પંચાયતમાં સરપંચ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેથી નડિયાદ તાલુકામાં ડેપ્યુટી સરપંચની કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી. ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ તબક્કાવાર ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજવા કવાયત હાથ ધરવામાં આવી છે.