Get The App

પહેલા પ્રમોશન પછી 300-400 કિ.મી. દૂર બદલી, સરકારના 'ખેલ' થી અકળાયા મહેસૂલી કર્મી, ચૂંટણી બહિષ્કારની ચીમકી

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
પહેલા પ્રમોશન પછી 300-400 કિ.મી. દૂર બદલી, સરકારના 'ખેલ' થી અકળાયા મહેસૂલી કર્મી, ચૂંટણી બહિષ્કારની ચીમકી 1 - image


Gujarat Government News : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મહેસૂલ વિભાગમાં મોટાપાયે બઢતી સાથે બદલીના કરાયેલા ઓર્ડરો બાદ કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી પ્રગટ થઇ છે. રેવન્યૂ ક્લાર્ક તેમજ રેવન્યૂ તલાટીઓને અપાયેલા પ્રમોશન  બાદ 300 કિલોમીટર દૂર ટ્રાન્સફર કરવામાં આવી છે જે અંગે મહેસૂલી મંડળો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યના 33 જિલ્લાઓમાં ફરજ બજાવતા રેવન્યૂ ક્લાર્કો તેમજ તલાટીઓને ચૈત્ર નવરાત્રિમાં જ સારા સમાચાર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. જો કે સરકારનો આ નિર્ણય કર્મચારીઓએ આવકાર્યો છે કે અમોને મોડે મોડે પણ પ્રમોશન આપવાનું સરકારને યાદ આવ્યું પરંતુ સાથે સાથે કર્મચારીઓમાં નારાજગી પણ છે કેમ કે મોટાભાગના કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કેટલાંક કર્મચારીઓને તો 300 કિલોમીટર દૂર બદલીના હુકમો કરાયા છે.

લાંબા અંતરના જિલ્લાઓમાં બદલી કરાયેલા કર્મચારીઓમાં કેટલાક મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેમના ઘેર છ માસથી માંડી ત્રણ વર્ષના નાના સંતાનો  હોય તેમને છેવાડાના સ્થળે બદલી કરવામાં આવતા સરકાર સામે રોષ ભભૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડરો જાહેર કરાયા બાદ મહેસૂલી મંડળો દ્વારા દરેક જિલ્લાના કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં જણાયું હતું કે કુલ 800 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. પ્રમોશન મેળવેલ કુલ કર્મચારીઓમાં 563 કર્મચારીઓને તો નજીક અથવા ખૂબ દૂરના જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવી છે.

કર્મચારી મંડળોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક વર્ષ જેટલા વિલંબ બાદ અમોને પ્રમોશન આપ્યું છે સારી વાત છે પરંતુ અનેક કર્મચારીઓને 300 થી 400 કિ.મી. દૂર બદલી કરીને કર્મચારીઓને અન્યાય કર્યો છે. અમો મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે. જો સરકાર દ્વારા કોઇ હકારાત્મક પ્રતિભાવ નહી મળે તો ચૂંટણી બહિષ્કાર સુધીના પણ નિર્ણયો લઇ શકાય છે. બહુ ઓછા કર્મચારીઓ છે જેમને પોતાના જિલ્લામાં અથવા માંગેલી જિલ્લામાં જ પોસ્ટિંગ મળ્યું છે.