Gujarat

વીજ ગ્રાહકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેતા હોબાળો

By GS TEAM
14 Oct 20252 mins read
વીજ ગ્રાહકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેતા હોબાળો

- બાલાસિનોર વીજ કર્મચારીઓ દ્વારા 

- બ્રહ્માણી સોસાયટી અને ખોડિયાર નગરનાં બંધ મકાનોમાં સ્માર્ટ વીજ મીટર લગાવી દેતા સ્થાનિકોમાં આક્રોશ

બાલાસિનોર : રાજ્યામાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે આજે બાલાસિનોરમાં એમજીવીસીએલની ટીમ પોલીસ રક્ષણ સાથે બ્રહ્માણી સોસાયટી અને ખોડિયાર નગરમાં સ્માર્ટ મીટર મીટર લગાવવા પહોંચી જતા સ્થાનિક રહીશોએ એકત્ર થઇ હોબાળો મચાવ્યો હતો.

લોકોએ રોષ વ્યક્ત કરી જણાવ્યુ કે  વીજ તંત્ર આગોતરી જાણ કર્યા વગર કે ગ્રાહકોની મંજૂરી મેળવ્યા વગર જ મીટર બદલવા માંડયું છે.લોકોને સ્માર્ટ મીટર મીટર લગાવવા નથી. લોકોના ઉહાપોહ બાદ વીજ તંત્રએ પણ આજનો દિવસ કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.બાલાસિનોરના બ્રહ્માણી સોસાયટી અને ખોડિયાર નગરમાં ૨૦૦થી વધુ મકાનો છે.આજે એમજીવીસીએલની ટીમ પોલીસ રક્ષણ સાથે જૂના મીટર બદલીને નવા સ્માર્ટ મીટર લાગવવા માટે આવી હતી. અમુક બંધ મકાનોમાં સ્માર્ટ મીટર લગાવી પણ દીધા હતા. પરંતુ હાજર લોકોને જાણ થતા એકત્ર થઇ હોબાળો મચાવ્યો હતો. લોકોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આગોતરી જાણ કર્યા વગર કે ગ્રાહકોની મંજૂરી લીધા વગર આવી રીતે મીટર બદલવા યોગ્ય નથી. નવા સ્માર્ટ મીટરમાં તોતિંગ રકમના વીજ બિલ આવે છે.

આ સ્માર્ટ મીટર ખામીવાળા છે. તેની પૂરતી ચકાસણી કર્યા  વગર જ અમલવારી થઇ રહી છે. દિવસના સમયે ઘરના સભ્યો બહાર કામમાં ગયા હોય છે, એકલી મહિલા ઘરે હાજર હોય છે. તેવા સમયે વીજ તંત્રના માણસો આવીને મીટર બદલી રહ્યા છે.જે બાબત યોગ્ય નથી. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સામાન્ય ઘરમાં પણ રૂ.૨૦-૨૦ હજાર  લાઈટ બિલ આવે છે. એટલે અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી. લોકોનો રોષ પારખીને વીજ તંત્રની ટીમે આજના દિવસ માટે કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.

સરકારનો નિયમ છે, તમામ મીટર બદલાશેઃડે.ઇજનેર

એમજીવીસીએલ ના બાલાસિનોરના ડે. ઇજનેર જે.એમ. નલવાયાએ જણાવ્યું છે કે, સરકારનો નિયમ છે. માટે આખા નગરના તમામ ઘરમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવશે. ઘરે હાજર હોય તે પ્રતિનિધિની હાજરીમાં જ નવા મીટર લગાવવામાં આવે છે. ખાનગી રાહે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.