Get The App

વડોદરાના અટલાદરામાં પ્રાથમિક સુવિધા મુદ્દે હોબાળો : ચૂંટણીમાં પ્રચાર કે વોટ માંગવા નહીં આવવાના લાગ્યા સોસાયટી બહાર બેનર

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના અટલાદરામાં પ્રાથમિક સુવિધા મુદ્દે હોબાળો : ચૂંટણીમાં પ્રચાર કે વોટ માંગવા નહીં આવવાના લાગ્યા સોસાયટી બહાર બેનર 1 - image


Vadodara : વડોદરા શહેરના દક્ષિણ છેવાડે અઢી દાયકા જૂની બનેલી પ્રમુખસ્વામી કુટીર સોસાયટીમાં પ્રાથમિક જરૂરિયાતની સુવિધા નહીં મળતા પાલિકાના વહીવટથી કંટાળીને આગામી સ્થાનિક ચૂંટણીમાં વોટ માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું બેનર લગાવી વેરાનું વળતર નહીં મળતા વિરોધ પ્રગટ કરવા સોસાયટીના ગેટ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, શહેરના દક્ષિણ વિસ્તારમાં સને 2000ની સાલમાં બનેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં છેલ્લા કેટલાય વખતથી ગટરોના ગંદા પાણી ઉભરાય છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી. રોડ રસ્તાના ઠેકાણા નથી. ગટર માટે ખોદાયેલા રસ્તાના ખાડા જેમના તેમ પડી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરો આ વિસ્તારની કોઈ દરકાર લેતા નથી. વારંવાર ફોન કરતા કોઈ વ્યવસ્થિત જવાબ મળતા નથી. ચોમાસામાં પાણી ભરાઈ જતા અન્ય રોડ રસ્તા પણ તૂટી જતા રીપેરીંગની કોઈ દરકાર હજી સુધી લેવાઈ નથી. 300 જેટલા પરિવારો આ સોસાયટીમાં રહે છે. નિયમિત વેરા ભરાતા હોવા છતાં પણ 10 ટકા જેટલું પણ વળતર મળતું નથી. તંત્રના લોકોને માત્ર એસી ગાડીમાં ફરવું છે પરંતુ લોકોના પ્રશ્નો હલ કરવા નથી. 

આમ છેલ્લા કેટલાય વખતથી વિવિધ સ્થાનિક પ્રશ્નો ટલ્લે ચડ્યા હોવાથી કંટાળી ત્રાહિમામ પોકારીને છેવટે સોસાયટીના ગેટ પર આગામી પાલિકાની ચૂંટણીમાં કોઈપણ પક્ષે પ્રચાર કરવા કે વોટ માંગવા પ્રમુખસ્વામી કુટીર સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું બેનર મારીને તંત્ર સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

Tags :