સેવાલિયા સબ સજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ મુદ્દે હોબાળો
- નિષ્પક્ષ અને કડક તપાસની ખેડૂતોની માંગણી
- વાંઘરોલી પંચાયતમાં 21 વીઘા જમીન માલિકની જાણ બહાર નકલી દસ્તાવેજ બનાવી વેચી દેતા ગ્રામજનોમાં આક્રોશ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ બહાર આવ્યું છે. વાંઘરોલી પંચાયતમાં ૨૧ વીઘા કરતા વધુ જમીન ધરાવતા વૃદ્ધ ખેડૂત રમેશભાઈ પટેલની જમીન તેમના ખ્યાલ બહાર જ નકલી દસ્તાવેજ બનાવીને વેચી દેવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈને સબ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
વાંઘરોલીના ગ્રામજનો તથા જમીન માલિક રમેશભાઈ પટેલે આક્ષેપ સાથે જણાવ્યું છે કે, આ કૌભાંડમાં રમેશભાઈ પટેલના આધારકાર્ડમાં ફોટો બદલીને નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. નકલી દસ્તાવેજો બનાવવા માટે તેમની પંચાયતને ખાસ ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ પહેલા પણ તેમની પંચાયતના વિસ્તારની જમીનને મૂળ માલિકની જાણ બહાર જ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે. ત્યારે અનાજના લાભાર્થીને ફિંગરપ્રિન્ટ અને ઓટીપી સિસ્ટમની જેમ જમીન દસ્તાવેજો માટે પણ આવી સુરક્ષિત વ્યવસ્થા લાગુ કરવી જરૂરી છે.
આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને કડક તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખેડૂતોએ માંગ કરી છે.
અનેક જમીનોમાં આવા ફ્રોડ થયા છેઃ ખેડૂત
આ અંગે ખેડૂત અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા ખેડૂત મિત્રની જમીનમાં ફ્રોડ થઈ ગયું છે. અગાઉ પણ આવા કેસ બની ચૂક્યા છે. અમે આજે બધા ખેડૂતો મળી અને આવા ફ્રોડ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આવ્યા છીએ. જુદી-જુદી જમીનોમાં અનેકવાર આ પ્રકારની ઘટના બની છે. અધિકારીને રજૂઆત કરતા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.
જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી સીટમાં કેસ લેવડાવીશુંઃ નોંધણી નિરીક્ષક
આ અંગે ખેડા જિલ્લાના ઈન્ચાર્જ નોંધણી નિરીક્ષક એમ. કે. પંડયાએ જણાવ્યું છે કે, ગઈકાલે અમને બોગસ દસ્તાવેજ અંગેની માહિતી ગળતેશ્વર ખાતે મળી હતી. તે અનુસંધાને આજે વિઝીટ કરી છે. જેમાં રજૂઆત કરવા આવેલા લોકોને શાંતિથી સાંભળ્યા છે. આ બાબતે જે કંઈ પણ ખોટુ હશે તે તપાસ બાદ કલમ ૮૨ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા વડી કચેરીને રીપોર્ટ મોકલી આપીશુ. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસ લેવડાવીશું. ખોટુ કરનારા સામે કાર્યવાહી થાય તે માટે પ્રયાસ કરીશું. અગાઉના દસ્તાવેજ અંગે જાણ નથી. પરંતુ જો કોઈ પોલીસ ફરિયાદ થઈ હશે અને તેમાં સરકાર તરીકે અમારે જોડાવવાનું થશે તો વડી કચેરીની જાણ હેઠળ અમે તેમાં પણ જોડાઈને યોગ્ય કાર્યવાહી થાય તે માટે પ્રયાસ કરીશું.