સિવિલમાં દર્દીના સબંધીનો ગૂમ ફોન ગાર્ડ પાસે મળતા ચોરીના આક્ષેપ સાથે હોબાળો
- ગૂમ મોબાઇલ ગાર્ડના હાથમાં મળતા પુછપરછ કરતા યોગ્ય જવાબ નહી મળતા બોલાચાલીનો વિડીયો વાયરલ થયો
સુરત,:
સિવિલમાં અગાઉ દર્દી, તેમના સંબંધી, ડોકટર સહિતના સ્ટાફના મોબાઇલ સહિતના સામાન ચોરી થવાની ફરીયાદો ઉઠતી હોય છે. તેવા સમયે સિવિલની કિડની બિલ્ડીંગ માંથી ચાર દિવસ પહેલા દર્દીના સંબંધીનો ગુમ થયેલો મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી આવતા શંકા ગઇ હતી. જોકે દર્દીના સંબંધીએ સિક્યુરિટી ગાર્ડે મોબાઈલની ચોરી કરી હોવાના આક્ષેપો કર્યા બાદ હોબાળો મચી ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેડિસિન, બાળકો અને ન્યુરોફિઝિશિયન વિભાગની ઓ.પી.ડીમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. જેમાં કેટલાક દર્દીઓને કિડની બિલ્ડીંગ આવેલા વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. તેવા સમયે કિડની બિલ્ડીંગમાં અંદાજીત ચારેક દિવસ પહેલા દર્દીને તેના સંબંધી સારવાર માટે લઈને આવ્યા હતા. બિલ્ડિંગમાં જ મોબાઈલ ચાર્જ કરવા માટે મૂક્યો હતો. ત્યાંથી મોબાઇલ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો અને ચાર્જર ત્યાં પ્લગમાં હતું. બાદમાં તેમને શોધખોળ કરતા મોબાઇલ મળ્યો ન હતો.
ત્યારબાદ સિવિલની કડની બિલ્ડીંગમાં દર્દીને સંબંધી પરત આવ્યા હતા. ત્યારે સિક્યુરિટી ગાર્ડના હાથમાં તેમનો મોબાઇલ હોવાની શંકા ગઈ હતી. બાદમા સિક્યુરિટીની પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. જ્યારે સિક્યુરિટી ગાર્ડે ત્યાં હાજર લોકોને કહ્યું કે, આજે કોઈ મોબાઈલ મને આપી ગયા છે. બાદમાં સંબંધીએ કહ્યું કે, તો તે મોબાઈલ સિવિલ ખાતે સિક્યુરિટી ઓફિસમાં કેમ જમા નહી કરાવ્યો, આવા સંજોગોના લીધે સિક્યુરિટી ગાર્ડ મોબાઈલની ચોરી કરી હોવાના આક્ષેપ દર્દીના સંબંધીએ થયા બાદ હોબાળો થયો હતો. તે વિડિયો હાલમાં વાયરલ થયો છે. સિવિલમાં કેટલાક સિક્યુરીટી સુપરવાઇઝ કે તંત્ર બેજવાબદરીના લીધે આવા બનાવ બનતા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.