આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં ભેળસેળવાળું દૂધ જણાતા હોબાળો
- 9.50 હજાર લિટર દૂધ પશુપાલકો ભરે છે
- અસામાન્ય દૂધ ભરનારા 10 સભાસદોનું દૂધ જમા કરવાનું બંધ કરી પ્રતિ લિટર દંડ વસૂલવાનું શરૂ
આણંદ જિલ્લાના બેડવા ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પશુપાલકો દ્વારા દૈનિક સાડા નવ હજાર લિટર દૂધ ભરવામાં આવે છે. જે દૂધ એકત્ર કરી મંડળી દ્વારા અમૂલમાં પહોંચાડવામાં આવે છે. તાજેતરમાં બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમુલ દ્વારા દૂધની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦ જેટલા સભાસદોએ જમા કરાવેલું દૂધ અસામાન્ય અને ભેળસેળવાળું જણાયું હતું. જેને લઇ અન્ય સભાસદો દ્વારા આજે દૂધ મંડળીમાં હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ભેળસેળવાળું દૂધ ભરનાર સભાસદો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. બીજી તરફ ભેળસેળવાળું અસામાન્ય દૂધ જમા કરાવનાર સભાસદોનું દૂધ મંડળી દ્વારા સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે અને સંઘના નિયમ મુજબ તા. ૧લી એપ્રિલથી ત્રણ જુલાઈ દરમિયાન મંડળીમાં ભરવામાં આવેલા દૂધ પૈકી પ્રતિ લીટર ચાર્જ ગણી દંડ વસૂલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.