ફરિયાદકા ગામે બોગસ મતદાનના આક્ષેપથી હોબાળો, ગરમા ગરમી

- ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી, પોલીસ-ચૂંટણી કર્મી.ઓએે મામલો થાળે પાડયો
- પોલીંગ ઓફિસરે સાઉથ આફ્રિકામાં રહેતા મતદારના નામનું ખોટું ઉચ્ચારણ કરતા વિવાદ : મતદાન પ્રક્રિયા થોડા સમય માટે ખોરવાઈ, ર્ફરી વખત ચૂંટણી યોજવા માંગ
ભાવનગર તાલુકાની ફરિયાદકા ગ્રા.પં.ની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન થયું હતું. બપોર બાદ વોર્ડ નં.૩માં એક મતદાર મતદાન કરવા આવ્યા ત્યારે તેમના ૧૪૬માં નંબરની જગ્યાએ ચૂંટણી અધિકારીએ ૧૪૫ નંબર પર માર્ક કરી નામનું ઉચ્ચારણ કર્યું હતું. બાદમાં મતદાન કરી ગયેલા મતદાતા ફરી મતદાન મથકે આવ્યા હતા અને ચૂંટણી કર્મચારી તરફથી ભૂલ થઈ હોવાનું ધ્યાન દોર્યું હતું. બીજી તરફ આ વાતને લઈ ઉમેદવારના એજન્ટો, જાગૃત નાગરિકોએ મતદાર યાદી તપાસી બોગસ મતદાન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જોતજોતમાં એક સામાન્ય ભૂલે વિવાદનું વમળ ઉભું કરતા ઉમેદવારો, સમર્થકા તથા એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો અને બૂથમાં જ ચૂંટણી અધિકારી સાથે ઉગ્ર ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. પોલીસ સ્ટાફના વિવાદને શાંત પાડવા પ્રયાસ છતાં બોગસ વોટીંગના આક્ષેપના કારણે ગરમા ગરમી વધી હતી. જો કે, આ સમયે ચૂંટણી કર્મચારીઓ અને પોલીસે સંયમ રાખી સમજાવટ કરતા મામલો થયાળે પડયો હતો અને આખરે ૨૦ મિનિટ સુધી ખોરવાયેલી રહેલી મતદાન પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી.બળવંતભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં બોગસ મતદાન થઈ રહ્યું હતું. સાઉથ આફ્રિકામાં રહેતા મતદારનું અન્ય વ્યક્તિએ મતદાન કર્યું હતું.ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ કરી તેમણે ફરી ચૂંટણી યોજવાની માંગ પણ કરી હતી. જ્યારે આ બાબતની ફરિયાદ ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવતા ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રને તે ફરિયાદ ફોરવર્ડ કરાતા મામલતદાર સહિતના ચૂંટણી અધિકારીઓ દોડતા થયા હતા.
આંબલા ગામે મોબાઈલમાં આઈ.ડી. પ્રૂફ લાવનારને મતદાન કરતા અટકાવ્યા
આંબલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન એક મતદાતા પોતાના મોબાઈલના ડિજિ લોકરમાં ઓળખપત્ર લાવી મતદાન કરવા પહોંચ્યા હતા. જેથી નિયમ મુજબ મોબાઈલ મતદાન કુટિરમાં લઈ જવાની મનાઈ હોય, ફરજ પરના ચૂંટણી કર્મચારીઓએ તેમને મતદાન કરતા અટકાવ્યા હતા. જે અંગે મતદારે ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી. જો કે, મોબાઈલ ફોન નિષેધ હોય, બાદમાં મતદારે પોતાની સાથે ફિઝીકલ આઈ.ડી. પ્રૂફ લાવી મતદાન કર્યું હતું અને વિવાદનો અંત આવ્યો હતો.








