MSUની સાયન્સમાં પરીક્ષા, મહિલા અધ્યાપકે વિદ્યાર્થિનીના પેન્ટના ખિસ્સામાં ચેકિંગ માટે હાથ નાંખતા હોબાળો
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી એટીકેટીની પરીક્ષામાં સોમવારે એક મહિલા અધ્યાપકની વર્તણૂકના કારણે હોબાળો મચ્યો હતો.
ફેકલ્ટીમાં ત્રીજા વર્ષના એટલે કે છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા દરમિયાન ગેરરીતિ ના થાય તે માટે મહિલા અધ્યાપક ચેકિંગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, મહિલા અધ્યાપકે પરીક્ષા આપી રહેલા અન્ય વિદ્યાર્થીઓની સામે જ એક વિદ્યાર્થિનીને ચેકિંગ કરવા માટે ઉભી કરી હતી અને તેણે પહેરેલા પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા વિદ્યાર્થિની હેબતાઈ ગઈ હતી.
આ પ્રકારના ચેકિંગ સામે વાંધો લેનારા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જ્યારે ક્લાસમાં બોયઝ પણ બેઠા હોય ત્યારે વિદ્યાર્થિનીના ખિસ્સામાં હાથ નાંખવો યોગ્ય નથી પણ મહિલા અધ્યાપકે તો પોતાની ભૂલ સ્વીકારવાનો ઈનકાર કરીને ઉલટાનું કહ્યું હતું કે, મને તો ઉપરથી જે આદેશ આપવામાં આવ્યો છે તે પ્રમાણે હું ચેકિંગ કરું છું. આ મુદ્દા પર ડીનની ઓફિસમાં પણ વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરીને મહિલા અધ્યાપક સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. દરમિયાન આ બાબતે જાણકારી મેળવવા માટે ડીન પ્રો.કલમકરનો સંપર્ક થઈ શક્યો નહોતો.