નડિયાદમાં ટીપી રોડ માટે મકાનો તોડવાની શરૂઆત કરાતા હોબાળો
પોલીસ રક્ષણ સાથે તંત્રએ ધસી જઈ કાર્યવાહી હાથ ધરી
સુંદરકુઈ વિસ્તારમાં ખૂંટ મારવાની કાર્યવાહી સમયે ખેડૂતો સહિતના સ્થાનિક લોકોનો વિરોધ
મળતી માહિતી મુજબ નડિયાદ મહાનગરપાલિકાના બંને ડેપ્યુટી કમિશ્નર અને ટાઉન પ્લાનિંગ, દબાણ શાખા, એન્જિનિયર શાખા સહિતનો કાફલો સુંદરકુઈ વિસ્તારમાં પહોંચ્યો હતો. અત્રે જે.સી.બી. અને ટ્રેક્ટરો સહિત માનવબળ સાથે પહોંચેલી તંત્રની ટીમ દ્વારા સવારથી બપોર સુધી ખૂંટ મારવાની સાથે ટી.પી. મુજબ હદ નક્કી કરી હતી. આ વખતે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. દરમિયાન મનપા પ્રશાસન અને પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ખેડૂતો તેમની માંગણી સાથે અડગ હતા. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, રોડની શરૂઆત થાય, ત્યાંથી જ દબાણ તોડતા આવે તો અમે તાત્કાલિક મકાનો ખાલી કરી દેવા તૈયાર છીએ. આ ઉપરાંત અમારી જમીન અધિગ્રહણ કર્યાની સામે તંત્રએ અમને અન્ય જમીન આપવાના નામે માત્ર દેખાડો કર્યો છે. બીજી જમીન ક્યાં ફાળવાઈ છે, તે અંગે તંત્ર કોઈ જવાબ આપતુ નથી. આ વચ્ચે મનપાની ટીમ દ્વારા દેવીપૂજક સમાજના ૪ જેટલા મકાનોના રહીશોને રાતોરાત બેઘર કરી દીધા છે. ૪૦ ડીગ્રી તાપમાનમાં બાળકોથી માંડી વૃદ્ધો સુધીના લોકોને રસ્તા પર લાવી દીધા છે. તંત્રની કામગીરી સામે શહેરભરમાં રોષની લાગણી વ્યાપી છે.
મકાન માલિકો અને તંત્ર બંનેની આળસ : એક્સપર્ટ
આ સમગ્ર મામલે ટાઉન પ્લાનિંગ વિભાગના જાણકાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ટી.પી. ૮નો ફાઈનલ ડ્રાફ્ટ આવી જતા તંત્ર અચાનક હરકતમાં આવ્યુ છે. આ તરફ અગાઉથી આ રીંગરોડ મામલે તત્કાલિન નડિયાદ નગરપાલિકાની ટીમ દ્વારા આ રોડ પરના તમામ કપાતમાં જતા મકાન માલિકોને જાણ કરી જ હતી. ટી.પી.નો ડ્રાફ્ટ મંજૂર થતા તેમાં આ કપાત જતા મકાનોની સામે તેમને અન્ય પ્લોટ રોડને અડીને જ ફાળવ્યો જ હોય, આવા સંજોગોમાં જો મકાન માલિકોએ સતર્કતા દાખવી અને અરજી કરી પોતાને ફાળવેલ જગ્યાની વિગતો લેખિતમાં મેળવી હોત તો તેમને ફાળવેલો પ્લોટ મળી ગયો હતો અને તેઓ આવાસ યોજનામાં મકાન મંજૂર કરાવી ત્યાં બાંધકામ કરી શકતા હતા. પરંતુ તંત્ર છેક આજે ૧૫૦ મીટરના જ અંતરે ફાળવેલી જગ્યા બતાવે તે વ્યાજબી નથી. આ તરફ તંત્રએ પણ સતર્કતા દાખવી અને આ મકાન માલિકો સાથે બેઠક કરી અને તેમને ફાળાયેલા પ્લોટની જાણકારી આપી આવાસના મકાન મંજૂર કરાવવા પ્રયાસ કરી શકતી હતી. પરંતુ મકાન માલિકો અને તંત્ર બંનેએ ઉદાસીનતા દાખવતા આ પરીણામ આવ્યુ છે.
ચાર પરિવારોને કોંગ્રેસ ભોજન પહોંચાડશે
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક પણ પદાધિકારીઓ ફરક્યા નહોતા. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાદક ભટ્ટ વહેલી સવારથી જ સ્થળ પર પહોંચી અને સાંજ સુધી હાજર રહ્યા હતા. વારંવાર તંત્રને અચાનક કાર્યવાહી કરવા બદલ પ્રશ્નો કર્યા હતા. અસરગ્રસ્ત પરિવારોને રહેવાની પરીસ્થિતિ અંગે પણ વિચાર કરવા તંત્રને જણાવ્યુ હતું. તો આ તરફ મોડી સાંજ સુધી ૪ મકાનો તોડી નાખતા હવે આ પરીવારોને રાતનું ભોજન કોંગ્રેસ પ્રમુખે પહોંચાડયુ છે.