Get The App

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો 1 - image

માણેજ ગામની હાઈસ્કૂલ સંચાલકોના મનસ્વી નિર્ણયો

સંસ્થાની શિસ્ત અને યુનિફોર્મના નિયમોને કારણે આવો નિર્ણય કરવો પડયો હોવાનો આચાર્યનો બચાવ 

આણંદ: પેટલાદ નજીક આવેલા માણેજ ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ૧૨ના ૩૫ જેલા વિદ્યાર્થીઓને યુનિફોર્મ જૂના હોવાનું જણાવીને વર્ગમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં બેસીને હોવાળો મચાવ્યો હતો. વાતની જાણ થતા શાળામાં ગ્રામજનો આવતા સમજાવટ બાદ તમામ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવીને અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

પેટલાદ નજીક આવેલા માણેજ ગામની હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતા ૩૫ જેટલા મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ પાસે યુનિફોર્મ જુનો હતો. 

આથક રીતે સક્ષમ ન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ પાસે માત્ર એક જોડી યુનિફોર્મ હોવાથી રોજ રાત્રે ધોઈને બીજે દિવસે સ્કૂલમાં પહેરી જતા હતા. જેથી આ યુનિફોર્મ ખૂબ જ જૂનો અને ખરાબ થઈ ગયેલા હોવાને કારણે ગુરૂવારે ધોરણ ૧૧ અને ૧૨ના ૩૫ જેટલા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા વર્ગમાં પ્રવેશ કરતો અટકાવવામાં આવ્યા હતા અને નવો યુનિફોર્મ સિવડાવીને પછી જ શાળામાં આવવું તેમ જણાવ્યું હતું. 

જેથી ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં બેસીને હોબાળો મચાવ્યો હતો અને યુનિફોર્મને કારણે તેમનો અભ્યાસ બગાડવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, હવે એક્ઝામ પૂર્ણ થવાના માત્ર બે મહિના બાકી છે ત્યારે નવા યુનિફોર્મ માટે ખર્ચ કરવો તે યોગ્ય નથી અને પોસાય પણ તેમ નથી એવું જણાવીને આચાર્યના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વાતની ગામમાં જાણ થતા યુવાનો તથા વડીલો પણ શાળામાં આવ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ચર્ચાઓ કરી હતી. પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ, સંસ્થાની શિસ્ત અને યુનિફોર્મના નિયમોને કારણે આવો નિર્ણય કરવો પડયો હતો. છેલ્લે સમજાવટ બાદ તમામ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવીને અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું