Gujarat

વસો, નડિયાદ અને મહેમદાવાદમાં 24 કલાકમાં 6 ઇંચ સુધી વરસાદ

By GS TEAM
18 Jun 20251 min read
વસો, નડિયાદ અને મહેમદાવાદમાં 24 કલાકમાં 6 ઇંચ સુધી વરસાદ

- નડિયાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 

- કપડવંજ, ખેડા, મહુધામાં અઢી અને અન્ય તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડયો 

નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વસો, નડિયાદ, માતર,મહેમદાવાદમાં છ-છ ઇંચ, કપડવંજ, ખેડા, મહુધામાં અઢી -અઢી ઇંચ અન્ય તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે. 

નડિયાદમાં સોમવારની રાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને ૨૪ કલાકમાં છ ઇંચ સુધી વરસાદ પડયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિવસ દરમિયાન પણ સામાન્ય વરસાદ પડયો હતો. જિલ્લામાં સરેરાશ ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વસોમાં ૧૫૭ મીમી, નડિયાદ ૧૫૪, માતરમાં ૧૨૬, મહેમદાવાદમાં ૧૧૦, કપડવંજ ૬૫, ખેડામાં ૬૨, ઠાસરામાં ૪૫, કઠલાલમાં ૪૨, ગળતેશ્વરમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોને હાશકારો થયો હતો.  

ઠાસરામાં ગટરના પાણી રેલાયા

ઠાસરામાં મંગળવારે વરસાદ પડયો હતો અને શહેરના કાળભેરવ મંદિર બળિયાદેવ ચોકડી સુધી વરસાદના કારણે ગટરનું પાણી રસ્તા પર ભરાઇ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ગટરના પાણી ઉભરાતા લોકોમાં રોગચાળાનો ભય પણ સેવાઇ રહ્યો છે.  તાકિદે ગટરના પાણીનો યોગ્ય વ્યવસ્થા કરવાની માગણી ઉઠી છે.