ગીર સોમનાથ જિલ્લામાં 12 ઈંચ સુધી વરસાદ, દ્વારકામાં બે કલાકમાં 5 ઈંચ

સૌરાષ્ટ્રમાં ચિંતાના વાદળો વચ્ચે મેઘમહેરની આશા બંધાઈ
સુત્રાપાડામાં મધરાત્રે આભ ફાટયું હોય એમ ૧૨ ઈંચ વરસાદથી ગભરાટ, માંગરોળ ગ્રામ્યમાં ૭ ઈંચ, કલ્યાણપુરમાં ૫ ઈંચ, અનેક માર્ગો બંધ
ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રે મેઘરાજા વરસી પડયા હતા. સુત્રાપાડામાં ગત રાત્રે ૧૧વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીમાં ૭ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ વરસી પડયો હતો. ભારે વરસાદથી આજુબાજુના પ્રાંચી, પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, લોઢવા, ધામળેજ સહિતના બાવનગામોમાં ખેતરો છલોછલ ભરાઈ ગયા હતા. તમામ નદી-નાળા છલકાઈ ગયા હતા તેમજ અમુક ગામોમાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ગીરગઢડામાં ૬ ઈંચ, તાલાલામાં ૪ ઈંચ, વેરાવળમાં ૬ ઈંચ, કોડીનારમાં પ ઈંચ, ઉનામાં ૪ ઈંચ વરસાદ વરસી પડયો હતો.
યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જ મેઘવી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા. જો કે, બપોરે એકાએક બે વાગ્યે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બપોરના બે થી ચાર વાગ્યા સુધી બે કલાક દરમ્યાન પાંચ ઈંચ જેટલો વરસાદ તૂટી પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. માર્ગો પરથી નદી વહેતી હોય તેમ ધસમસતા વરસાદી પાણી વહી નીકળ્યા હતા. દ્વારકાના હાર્દ સમા ભદ્રકાલી ચોકમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં પણ પાણી ઘુસી જતા માલમતાને નુકસાન થયું હતું. ભદ્રકાલી ચોક, ઇસ્કોન ગેટ, જલારામ મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ, આવળ પાડા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એ જ રીતે કલ્યાણપુરમાં પાંચ ઈંચ તથા ખંભાળિયા અને ભાણવડમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુર પંથકના ભાટીયા, કેનેડી, લાંબાબંદર, ભોગાત, રાવલ સહિતના ગામોમાં અઢીથી ત્રણ ઈંચ મેઘમહેર વરસી હતી.
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે રાત્રિથી આજે સાંજ સુધીમાં માંગરોળમાં પાંચ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ થતાં ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ચોરવાડ અને કુકસવાડામાં પણ ચારેક ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતા. નોળી નદીના પુલ પરથી પાણી વહેવા લાગતા કેશોદ અને માળિયા વાયા જૂથળ રોડ કલાકો સુધી બંધ રહ્યો હતો. અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. જ્યારે મળિયા હાટીનામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થયો હતો. ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થયો હતો. જ્યારે વંથલી અને જૂનાગઢમાં એક-એક અને ગિરનાર ક્ષેત્રમાં એકથી દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે મેંદરડા, કેશોદ અને માણાવદર પંથકમાં હળવા ઝાંપટા વરસ્યા હતા. રાજકોટ જિલ્લામાં આજે ધોરાજીમાં અડધો ઈંચ સહિત છૂટાછવાયા હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા. જામનગર જિલ્લામાં જામજોધપુરમાં બે ઈંચ તો પોરબંદર જિલ્લામાં પોરબંદરમાં અડધો ઈંચ, ગીર સોમનાથ જિલ્લામાં આજે ઉના અને ગીરગઢડામાં એક ઈંચ અને તાલાલામાં અડધો ઈંચ, અમરેલી જિલ્લામાં આજે બગસરા અને ખાંભામાં એક ઈંચ તો જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.








