જિલ્લામાં અષાઢી માહોલઃમાણસામાં એક ઇંચ વરસાદ
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી વીજપુરવઠો ખોરવાયો ઃ માર્ગો
ઉપર ધુળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો અટવાયાં
શહેરમાં ભારે પવનથી રસ્તા ઉપર વૃક્ષો પડયાં ઃ લગ્નના સમીયાણાઓ હવામાં ફંગોળાયાં ચારેય તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયુ ઃ ઠંડા પવનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગાંધીનગર : રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠાની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવતા ગરમીની મોસમને બ્રેક લાગી છે.આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર સહિત જિલ્લા ઉપર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે સોમવારે ગરમીના પારામાં વધઘટ થવાથી રાહત મળી છે.તો આગામી દિવસોમાં ગરમી પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે લઘુતમ તાપમાનનો પારો ૨૫.૫ ડીગ્રી આવીને અટક્યો છે.તો બીજી તરફ માવઠાની અસર હેઠળ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા.ત્યારે સોમવારે સાંજના સમયે વાવાઝોડું ફૂંકાયું હતું અને વરસાદ પડયો હતો. તો બીજી તરફ જિલ્લાના માણસા તાલુકામાં બે કલાક દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સમગ્ર રાજ્યની સાથેસાથે પાટનગરમાં પણ થોડા દિવસ અગાઉ ઉનાળાની
મોસમ જામી રહી હોય તે પ્રકારે ગરમીનું વાતાવરણ અનુભવવા મળી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં
છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહેલા ફેરબદલના પગલે ગરમીની મોસમમાં માવઠાની અસર પણ અનુભવવા મળી રહી છે.તો સોમવારે રાજ્યના વિસ્તારોમાં
બદલાયેલા હવામાનના પગલે તાપમાનના પારામાં પણ વધારો નોંધાયો હતો. બીજી તરફ માવઠાની અસર
પાટનગર ઉપર પણ વર્તાઈ હોય તે પ્રકારે અચાનક જ લઘુત્તમ અને મહત્તમ તાપમાનના પારામાં
વધઘટ નોંધાઈ હતી.તો થોડી ઘણી રાહત પણ મળી છે.રવિવારે લઘુતમ તાપમાન ૨૪.૫ ડિગ્રીએ નોંધાયું
હતું.જેમાં વધારો થતાં સોમવારે ૨૫.૫ ડિગ્રી આવીને અટક્યું છે.તો બીજી તરફ મહત્તમ તાપમાનનો
પારો વધારા સાથે ૩૮ ડિગ્રી પહોંચ્યો છે. આમ એક જ દિવસમાં દિવસ અને રાત્રીના પારામાં
વધારો થવા છતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ગરમીમાંથી રાહત મળી હોય તેવો અનુભવ પાટનગરવાસીઓને હાલમાં કરવો પડી રહ્યો
છે.ત્યારે દિવસ દરમિયાન વાદળો છવાયા બાદ સાંજના સમયે ધૂળની ડમરીઓ ઉડી હતી અને કાળા
ડિબાગ વાદળ છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડયા હતા.તો બીજી
તરફ આ વાતાવરણની અસર ગાંધીનગર જીલ્લા ઉપર પણ અનુભવવા મળી હતી.આમ માવઠાની અસર હેઠળ વાતાવરણમાં
થઈ રહેલા ફેરબદલના પગલે ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ પડયો હતો. તો
બીજી તરફ વૈશાખના દિવસોમાં અષાઢી માહોલનો અહેસાસ લોકોને કરવો પડી રહ્યો છે. માવઠાની
અસર હેઠળ માણસા તાલુકામાં ગાજવીજ સાથે એક ઇંચ જેટલો વરસાદ સાંજે બે કલાક દરમિયાન પડયો
હતો. તો અન્ય તાલુકામાં અસર અનુભવવા મળી હતી.
ઉકળાટભર્યા વાતાવરણમાંથી નગરજનોને રાહત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં સોમવારે સાંજના સમયે બદલાયેલા વાતાવરણના પગલે વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા ઘટાડાના પગલે ભારે ઉકળાટનો સામનો નગરજનો કરી રહ્યા હતા. આમ ભેજના પ્રમાણમાં વરસાદી માહોલના પગલે વધારો થવાના કારણે આ વાતાવરણમાંથી પણ છુટકારો મળ્યો છે અને વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી છે.