કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળી પછી પણ કમોસમી વરસાદે ખેડૂતો સહિત અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે હવે આ કમોસી વરસાદ સુરતીઓના આરોગ્ય માટે ખતરો બની રહ્યો છે. કમોસમી વરસાદ બાદ શહેરના અનેક પ્લોટમાં પાણીનો ભરાવો થયો છે તેનો નિકાલ ન થયો હોવાથી મચ્છરની ઉત્પત્તિ થાય અને શહેરમાં આ ઋતુમાં પણ મચ્છરજન્ય રોગનો ફેલાવો થાય તેવો ખતરો મંડરાઇ રહ્યો છે. જો પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારના પ્લોટમાં પાણીનો ભરાવો દુર ન કરે તો લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છે.
સમુદ્રમાં થયેલા ડિપ્રેશનથી દિવાળી બાદ પણ સુરતમાં ચોમાસા જેવો સતત વરસાદ વરસી રહ્યો છે સત્તાવાર ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદે સુરતીઓ સાથે સુરત પાલિકાની આફતમાં પણ વધારો કર્યો છે. શહેરમાં રોજ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખુલ્લા પ્લોટ, પાલિકાના પ્લોટ તથા બાંધકામ સાઈટ પર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ પાણીનો નિકાલ પાલિકા દ્વારા કે ખાનગી પ્લોટ ધારકો દ્વારા કરવામાં આવ્યો નથી. જેના કારણે ભરાયેલા પાણીમાં મચ્છરની ઉત્પત્તિ થઈ રહી છે અને પાણીના ભરાવો થયો તેની આસપાસ મચ્છરજન્ય રોગ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
જે પ્લોટમાં પાણીનો ભરાવો થયો છે તેની આસપાસ રહેતા લોકો એવું કહી રહ્યાં છે કે, પાલિકા દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. જો પાલિકા આવા પગલાં નહીં ભરે તો દિવાળી બાદની ઋતુમાં પણ મચ્છરજન્ય રોગોથી સુરતીઓ ભોગ બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.








