ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો

ખેડા જિલ્લામાં 3 દિવસ સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં વરસાદ
ડભાલી સહિતના ગામમાં કાપણી કરેલી ડાંગર પર પાણી ફરી વળતા ખેતરમાં તરતી થઈ : પશુ માટેનો ઘાસચારો ક્હોવાતા અછતની સ્થિતિ
તાલુકાના ડભાલી ગામના ખેડૂતોએ દિવાળી પછી મુહૂર્ત કઢાવીને ૯૦થી ૧૦૦ વીઘામાં ડાંગરની કાપણી કરીને ખેતરોમાં પાક મૂક્યો હતો. ત્યારે ડાંગરની કાપણીના બીજા દિવસના રાતના સમયથી ભારે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો. સતત ત્રણ દિવસ સુધી વરસાદ એકધારો પડવાથી ખેતરોમાં કાપેલી ડાંગરનો પાક વરસાદના પાણીમાં ઘાસ સાથે તરવા લાગ્યો હતો. ખેડા જિલ્લામાં સૌથી વધુ કમોસમી વરસાદ ગળતેશ્વર તાલુકામાં પડયો છે. ત્યારે કુદરતના માર આગળ જગતનો તાત- ખેડૂત લાચાર બન્યો છે. ગળતેશ્વર તાલુકાના ઘણા ગામોમાં દિવાળી પહેલા ખેડૂતોએ મશીનથી ડાંગર લઈ લીધી હતી. પરંતુ, પશુઓના ઘાસચારા માટે પરાળ ખેતરોમાં પડયા રહ્યા હતા. ત્યારે વરસાદી પાણીના કારણે પશુ માટેનો ઘાસચારો કોહવાઈ જવાનો ભય રહેલો છે. ગળતેશ્વર તાલુકામાં ડાંગર સહિતના પાક અને પશુનો ઘાસચારા પલળી જતા નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, પાણી અને મજૂરીથી મોલાતનું જતન કર્યું હતું. ત્યારે માવઠાના કારણે મહામુલી મોલાતનો નાશ થતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. ત્યારે ગુજરાત સરકાર સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવી આર્થિક સહાય કરે તેવી ખેડૂતોની માંગણી છે.

