ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન

રણમાં
દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે
વરસાદ
પડતાં મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન ઃ નુકસાનીનું વળતર
આપવાની માંગ
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પાટડી - અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી
સિસ્ટમના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડયો છે. કમોસમી વરસાદને પગલે કચ્છના નાના
રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૧૦૦૦ જેટલા અગરિયાઓને ભારે નુકસાન થયું છે. મીઠાના
પાટામાં થયેલા નુકસાનીને લઇ વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ
અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે.
ધ્રાંગધ્રા
અને પાટડી તાલુકાના રણ વિસ્તાર અંદાજે ૪૯૫૩ ચોરસ કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલ છે
જેને કરછના નાના રણ તરીકે પણ ઓળખાય છે. અગરીયાઓ ચોમાસાના ૦૪ મહિના દરમિયાન રણની
બહાર રહે છે જયારે બાકીના ૦૮ મહિના રણમાં જ રહી તનતોડ મહેનત કરી મીઠું પકવે
છે.  આ નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું
ઉત્પાદન થાય છે. ત્યારે ધ્રાંગધ્રા અને પાટડી તાલુકામાં છેલ્લા ૦૪ દિવસથી પડી
રહેલા કમોસમી વરસાદને પગલે અગરિયાઓના તૈયાર કરેલા મીઠાના પાટા ધોવાઈ ગયા છે. હજુ
પણ વાવાઝોડા અને વરસાદની આગાહી છે. આથી અગરિયાઓ વધુ નુકસાનની ચિંતામાં છે. તંત્ર
દ્વારા નુકસાનની કોઈ તપાસ થઈ નથી.
વિશેષ
સહાય પેકેજ જાહેર કરવા માંગ(બોક્સ)
સમગ્ર
દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં અને તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી
તાલુકામાં થાય છે પરંતુ કુદરત પણ જાણે અગરીયાઓથી રૃઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે
સરકાર દ્વારા અગરીયાઓને થયેલા નુકસાનને ધ્યાને લઈને વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં
આવે તેવી પણ અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પણ કમોસમી
વરસાદથી નુકસાન વેઠવું પડયું હતું ત્યારે ચાલુ વર્ષે બીજી વાર નુકસાની વેઠવાનો વારો
આવ્યો છે. 
ચૂંટણી
ટાણે જ નેતાઓ અગરીયાની મુલાકાત લેતા રોષ (બોક્સ)
કરછના
નાના રણ વિસ્તારમાં હજારો અગરીયાઓ વર્ષોેથી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવે છે
અને રણમાં પ્રાથમિક સુવિધાઓ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાંય
સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ માત્ર ચૂંટણી ટાણે જ રણ વિસ્તારની મુલાકાત લેતા હોવાથી
અગરીયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.


