ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન

- દિવસભર ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ
- કપાસની લણણી ચાલતી હતી ત્યારે વરસાદ પડતાં ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છનીવાયો
ચોટીલા : ખરા શિયાળે લો પ્રેસરનાં કારણે પડેલા કમોસમી વરસાદને કારણે ચોટીલા થાનગઢ વિસ્તારના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા વળતરની માગણી કરવામાં આવી છે. ચોટીલા શહેરમાં દિવસભર ધુમ્મસ જેવા વાતાવરણના કારણે હિલ સ્ટેશન જોવો માહોલ સર્જાયો છે.
છેલ્લા એક સપ્તાહથી શિયાળાના દિવસોમાં ચોમાસાનો માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જેના કારણે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર વાદળો ઉતર્યા હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોટીલા અને થાનગઢ તાલુકામાં એક તરફ અનેક ખેડૂતોએ મગફળીનો પાક લણીને ખેતરમાં પાથરા પાથરેલા હતા તેમજ કપાસ ફૂટીને બહાર નિકળી જતા તેની લણી ચાલતી હતી તેવા સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે.
તાલુકાનાં અનેક ગામડાઓમાં વરસાદથી અનેક ખેત પેદાશ અને પાકને નુકસાન પોહચ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે વરસાદને કારણે કપાસ બળી ગયો છે. મગફળી લણી નથી તે ઉગી જશે તેમજ જાર, બાજરી, એરંડા, શાકભાજી જેવા પાકોને નુકસાન થયું છે.
કમોસમી નુકશાનનું તાત્કાલિક સર્વે હાથ ધરી થયેલ નુકસાનીનું વળતર ચુકવાય તે માટે અનેક ગામોના સરપંચ સહિતના આગેવાનોએ રજૂઆત કરી છે.
ચોટીલા વિસ્તારના સ્થાનિક ખેડૂત જલાભાઇ નાકિયા, ભીખાભાઇ રબારી એ જણાવેલ છે કે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે કઠણાઈ બનીને વરસ્યો છે. આખી ચોમાસું સિઝનની અમારી મહેનત ઉપર પાણી ફરી ગયું છે.









