કમોસમી વરસાદે સુરત પાલિકાના કોન્ટ્રાક્ટર-અધિકારીની બેદરકારી છતી કરી
Surat : સુરતમાં આવેલા કમોસમી વરસાદે સુરત પાલિકાના કોન્ટ્રાક્ટર-અધિકારીની બેદરકારી છતી કરી તેમની આ બેદરકારીના કારણે પાલનપોર ગૌરવપથના હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાએ વિવિધ સુવિધા માટે ખોદાણ કામગીરી બાદ યોગ્ય પુરાણ વિના છોડી દેવાતા હાલ કાદવ કીચડ, લોકો ટુ વ્હીલર લઈને બહાર નીકળતા ડરી રહ્યાં છે આ અંગે અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા હવે લોકોમાં પાલિકાની કામગીરી સાથે ભાજપ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં ઉનાળો હોવાથી પાલિકાના તમામ વિસ્તારમાં વિવિધ સુવિધા માટેની કામગીરી ચાલી રહી છે પરંતુ કેટલાક વિસ્તારમાં ખોદાણ લાંબા સમય બાદ પણ પુરાણ અને રોડ બનાવવાની કામગીરી ન થતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, આ ફરિયાદ પર પાલિકા તંત્રએ કોઈ ધ્યાન ન આપતા હાલ કમોસમી વરસાદે આ વિસ્તારના લોકો માટે સમસ્યા ઉભી કરી દીધી છે. પાલિકાના રાંદેર ઝોનના પાલનપોર વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીની નબળી કામગીરીનો ભોગ સ્થાનિકો બન્યા છે.
પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં પાલનપોર ગૌરવ પથ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની કામગીરી માટે ખોદાણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ખોદાણ બાદ કામગીરી અધુરી છે અને સમયસર પુરાણ પણ કરવામા આવ્યું ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. દરમિયાન ગઈકાલે રાતે અને આજે પડેલા વરસાદના કારણે પાલિકાની આ બેદરકારીનો ભોગ પાલનપોર ગૌરવપથ સ્થિત શ્રીપદ સેલિબ્રેશન્સ, કોરલ પેલેસ, પ્રેસ્ટિજ રિયોના, નક્ષત્ર એમ્બેસી અને ગેલેક્સીયામાં રહેતા 1000થી વધુ પરિવારો બની ગયાં છે. આ વિસ્તારમાં ખોદાણ છે અને માટી પુરાણ થયું નથી અને વરસાદ આવતા વિસ્તાર કાદવીયા બની ગયો છે લોકોના વાહનો પણ ખૂંપી જાય તેવી સ્થિતિ છે તેથી આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. હજારો પરિવાર આવી સ્થિતિમાં હોય આ કાદવ હટાવવાની કામગીરી તાત્કાલિક કરવા માટેની માંગણી કરવામાં આવી છે.