Get The App

જામનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ પડી જતાં ચોમેર પાણી ફરી વળ્યા : આજે પણ વરસાદી માહોલ

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ પડી જતાં ચોમેર પાણી ફરી વળ્યા : આજે પણ વરસાદી માહોલ 1 - image

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ બનેલું રહ્યા પછી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે પડેલા વરસાદના કારણે અનેક ખેડૂતોનો મગફળી સહિતના ઉભા પાકને તેમજ તૈયાર રખાયેલા મગફળી સહિતના જથ્થાને નુકસાન થયું છે જેથી ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે.

 જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા, ત્યારબાદ રાત્રિના બાર વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ રહ્યા હતા, અને સવાર સુધી વરસાદી વાતાવરણ રહેવાના કારણે અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે, પરંતુ હજુ આકાશ વાદળોથી ઘેરાયેલું છે, અને હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

 જામનગર શહેર ઉપરાંત જોડિયામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે ધ્રોલમાં એક ઇંચ, કાલાવડ અને લાલપુરમાં બે ઇંચ, જ્યારે જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

 ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો હતો, અને મગફળી સહિતના ઉભા પાકને અથવા તો તૈયાર થઈ ગયેલા પાકને વરસાદના કારણે ભારે નુકસાની થઈ હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આજે પણ અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી પાક નષ્ટ પામી રહ્યો છે.