Get The App

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદને પગલે ઘાસચારાની અછત સર્જાઈ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદને પગલે ઘાસચારાની અછત સર્જાઈ 1 - image

- સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ ઉઠી 

- લીલા તેમજ સુકા ઘાસના ભાવમાં ડબલ થતાં પશુપાલકોની હાલત કફોડી : ગ્રામીણ અર્થતંત્ર ખોરવાયું

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ થી ખેડુતોને થયેલ નુકશાન અંગે તાજેતરમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કમોસમી વરસાદ થી પશુપાલકોને પણ મોટું નુકશાન પહોંચતા હાલત કફોડી બની છે ત્યારે હવે પશુપાલકો માટે પણ સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકોમાં માંગ ઉઠવા પામી છે.

ઓક્ટોબર મહિનામાં દિવાળી બાદ સતત સાત દિવસ સુધી કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે ખેતરોમાં ઊભી મગફળી, એરંડા ઢળી પડતા પાકને મોટું નુકસાન થયું છે. બીજી તરફ મગફળીની સાથે મગફળીનો ચારો પણ જે પશુઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તે પણ પલળી જતા હવે પશુપાલકોની હાલત કફોડ બની છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરનો પાક બળી જતા ડાંગરની બાય પ્રોડક્ટ ગણાતી પુરેટિયા પશુઓના ઘાસચાર તરીકે વપરાય છે. પરંતુ વરસાદના કારણે પુરેટિયા ભીંજાઈ ગયા છે અને કાળા પડી રહ્યા છે, તેમજ વાસ આવવા લાગી છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આવા નષ્ટ થયેલા પુરેટિયાને પશુઓને ખવડાવવાથી બીમારી, ડાયેરિયા અને ઝેરનું જોખમ વધી શકે છે. પરિણામે ઘાસચારા માટેના મુખ્ય સ્ત્રોત બગડી ગયા છે.

પશુ ચારો બગડતાં દૂધ ઉત્પાદન પર અસર

જિલ્લામાં લગભગ ૭૫ હજાર પશુપાલકો અને ૩ લાખથી વધુ ગાયો, ત્રણ લાખથી વધુ ભેંસ-બળદ મળી આઠ લાખથી વધુ પશુધન છે. પશુચારો નષ્ટ થવાથી ચારા અને દાણાના સંકટનું નિર્માણ થયું છે. ઘણાં ગામડાઓમાં પશુપાલકો તેમના પશુઓને પૂરતું ખવડાવી શકતા નથી, જેના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના પશુપાલકો સૌથી વધુ અસર અનુભવી રહ્યા છે, કારણ કે તેમને બજારમાંથી મોંઘો ચારો ખરીદવો પડી રહ્યો છે.

ખોળના ભાવમાં 400  રૂપિયા સુધીનો વધારો

કમોસમી વરસાદ પહેલા લીલા ઘાસનો ભાવ પ્રતિ મણ અંદાજે રૂ.૬૦થી રૂ.૭૦ હતો જે હાલ વધીને પ્રતિ મણ રૂ.૧૩૦થી રૂ.૧૪૦ થયો છે. તેવી જ રીતે સૂકા ઘાસનો ભાવ પહેલા પ્રતિ મણ રૂ.૧૫૦થી રૂ.૧૭૦ હતો જે હાલ વધીને પ્રતિ મણ રૂ.૩૦૦થી રૂ.૩૫૦ થયો છે. ખોળામાં પણ પ્રતિ ૫૦ કિલોના રૂ.૧૫૦૦થી રૂ.૧૭૦૦ વધીને હાલ રૂ.૨૦૦૦થી રૂ.૨૨૦૦ થઈ ગયા છે. આથી રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોના હિતને ધ્યાને લઈને પશુપાલકો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે અથવા તો કેટલ કેમ્પ ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.