- ખેતરોમાં ઉભેલો 25 ટકા ડાંગરનો પાક જમીનદોસ્ત
- મગફળી, દિવેલા,તમાકુ, શાકભાજીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો, તાકીદે વળતર આપવાની માંગણી
ઠાસરા : ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં આજે ફરી કમોસમી વરસાદ ખાબક્યો હતો. તાલુકામાં ઉભેલી ૨૫ ટકા ડાંગર જમીનદોસ્ત થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે.
ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત્ છે અને બંને તાલુકામાં આજે બપોરે બાર વાગ્યાના આરસામાં વરસાદ પડયો હતો.જેના કરાણે ખેતરમાં તૈયાર થયેલો ડાંગરના પાકનો સોથ વળી ગયો હતો. આ ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં પડી રહેતા ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેતરમાં કાપણી કરેલા ઘાસ અને ડાંગર કોહવાઇ ગયો હતો. આ ડાંગર ખેતરમાં જ સળગાવવાની નોબત આવશે.
આ ઉપરાંત બંને તાલુકામાં ડાંગરની સાથે, મગફળી, દિવેલા, તમાકુ, શાકભાજીનો પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સરકાર દ્વારા તાકીદે સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માગણી ઉઠી છે.


