વાદળછાયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો
ડાંગર, કપાસ, મગફળી અને શાકભાજી સહિતના પાક નષ્ટ, ખેતરોમાં પાણી ભરાયા, બે દિવસ હજુ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ ખેડા જિલ્લામાં આજે જિલ્લા સરેરાશ ૭ મીમી વરસાદ નોંધાયો છે. કપડવંજમાં સૌથી વધુ ૧૯ મીમી વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નડિયાદમાં ૧૫ મીમી, ઠાસરામાં ૧૦ મીમી, ગળતેશ્વરમાં ૯ મીમી, કાઠલાલમાં ૫ મીમી, માતર અને વસોમાં ૪-૪ મીમી, ખેડા અને મહુધામાં ૨-૨ મીમી વરસાદ પડયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧૦.૭ મીમી પર પહોંચ્યો છે.
આજે દિવસ દરમિયાન કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહેતા હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો અને સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ માવઠાને કારણે ખેતરોમાં તૈયાર પડેલા ડાંગર, કપાસ, મગફળી અને શાકભાજીના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે. વરસાદના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હવામાન વિભાગે હજુ આગામી ૨ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે જો વરસાદ યથાવત રહેશે તો પાકને વધુ નુકસાન થશે.


