Gujarat Weather: ગુજરાતમાં સતત બદલાતા હવામાન વચ્ચે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી સાતમી એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.
કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાતમી એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે:
વરસાદી સિસ્ટમની અસરને કારણે દરિયામાં પવનની સ્પીડ વધવાની સંભાવના છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા છઠ્ઠી અને સાતમી એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવધ રહેવા સૂચના અપાઈ છે.
ગરમીમાં આંશિક રાહત બાદ ફરી ઉછાળો
હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ સામાન્ય નોંધાઈ રહ્યું છે. વરસાદી માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં બહુ મોટો વધારો નહીં થાય, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ પસાર થશે કે તરત જ એટલે કે 8 એપ્રિલથી ગરમીનો પારો ફરીથી ઉંચકાય તેવી શક્યતા છે. એપ્રિલના બીજા સપ્તાહથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.
વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.


