Get The App

આણંદ જિલ્લામાં સવા 4 ઇંચ સુધી કમોસમી વરસાદ :કેળના પાકને નુકસાન, 11મી સુધી ભારે વરસાદની આગાહી

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
આણંદ જિલ્લામાં સવા 4 ઇંચ સુધી કમોસમી વરસાદ :કેળના પાકને નુકસાન, 11મી સુધી ભારે વરસાદની આગાહી 1 - image


Rain In Anand : આણંદ જિલ્લામાં ભરઉનાળે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. મંગળવારની રાત્રિથી બુધવારની બપોર સુધીમાં જિલ્લામાં સવા ચાર ઇંચ સુધી વરસાદ પડયો હતો. આણંદમાં ચાર ઇંચ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત બાજરી, શાકભાજી, ઘાસચારો અને કેળના પાક સહિત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. તૈયાર થયેલો ઉનાળુ પાકનો સોથ વળતા ખેડૂતોએ વળતરની માગણી કરી છે. આણંદ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને મંગળવારની રાત્રિથી જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. બુધવારે શહેરમાં વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો.

આણંદમાં સૌથી વધુ 113 મીલીમીટર,તારાપુરામાં 84, સોજિત્રામાં 78, ઉમરેઠમાં 80, ખંભાતમાં 106, બોરસદમાં 74, પેટલાદમાં 69 મીલીમીટર વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે આણંદ શહેર અને ખંભાતમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ નહીં થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જયારે જિલ્લામાં 11મી સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

આ વરસાદના કારણે ખેતરોમાં થયેલા થયેલો ઉનાળુ પાકને નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. બાજરી, તલ,મગ, શાકભાજી, ઘાસચારો સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં વાવાઝોડાના કારણે કેળાના છોડ જળમૂળમાંથી ઉખડી ગયા હતા. જેના કારણે ખેડૂતોને પ્રતિ વિઘાએ 60થી80 હજાર રૂપિયા સુધીનું નુકસાન થયું છે. એટલું જ નહીં. સતત ત્રણ દિવસથી વરસાદના કારણે શાકભાજીનો પાક પણ કોહવાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેતીમાં નુકસાન મામલે સર્વે કરીને તાત્કાલિક સહાય મામલે સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. 


ક્યા કેટલો વરસાદ 

શહેર

વરસાદ( ઇંચમાં) 

આણંદ 

સવા 4 ઇંચ

ખંભાત

1 ઇંચ

તારાપુર

સવા ત્રણ ઇંચ

સોજિત્રા

 3 ઇંચ 

બોરસદ

3 ઇંચ 

પેટલાદ  

અઢી ઇંચ

ઉમરેઠ

2

આંકલાવ

2 

Tags :