Gujarat

વલ્લભીપુરમાં અનરાધાર પોણા 2 ઈંચ, સિહોરમાં ધોધમાર દોઢ ઈંચ મેઘમહેર

By GS TEAM
16 Jun 20253 mins read
વલ્લભીપુરમાં અનરાધાર પોણા 2 ઈંચ, સિહોરમાં ધોધમાર દોઢ ઈંચ મેઘમહેર

- સાંજે ધમાકેદાર એન્ટ્રી બાદ મોડી રાત સુધી ધીમીધારે પાણી વરસતું રહ્યું

- ઘોઘામાં એક, પાલિતાણામાં પોણો, ભાવનગરમાં અર્ધો ઈંચ, ઉમરાળામાં ઝાપટાં વરસ્યા પ્રથમ વરસાદમાં જ વીજ તંત્રની પોલ ખુલી, વીજ પ્રવાહ ખોરવાયો

વલ્લભીપુર/સિહોર : ભાવનગર જિલ્લાના છ તાલુકામાં મેઘરાજાએ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી કરી લીધી હોય તેમ મેઘગર્જના સાથે ઝાપટાંથી લઈ દોઢ ઈંચ સુધી મેઘમહેર વરસી હતી. વલ્લભીપુર અને ભાવનગરમાં સાંજથી અનરાધાર પાણી વરસવાનું શરૂ થયા બાદ મોડી રાત સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ઘોઘા અને સિહોરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ભાવનગરમાં ગત રાત્રે શહેરના કેટલાક વિસ્તારમાં વરસેલા ઝાપટાંની અસરના રાતનું લઘુતમ તાપમાન ૨.૩ ડિગ્રી ઘટીને ૨૭.૬ ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ આજે રવિવારે સવારથી જ જાણે ચોમાસા જેવો માહોલ હોય તેમ આકાશમાં વાદળોનો પડાવ રહ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે શહેરનું મહત્તમ તાપમાન ૩.૭ ડિગ્રી ઘટીને ૩૫.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સાંજના છ વાગ્યા સુધી વરસાદી માહોલ રહ્યા બાદ અચાનક જ એકધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા-ચમકારા સાથે રાત્રિ સુધી સતત વરસાદ વરસતા અર્ધો ઈંચથી વધુ પાણી ખાબકી ગયું હતું. શહેરમાં નોંધપાત્ર પ્રથમ વરસાદમાં જ વીજ તંત્રની પ્રો-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેમ ઘણાં વિસ્તારોમાં કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાયેલો રહ્યો હતો.

વલ્લભીપુરમાં સાંજે છ વાગ્યા બાદ અનરાધાર વરસાદ શરૂ થયો હતો. સાંજે ૬થી રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ધીમીધારે પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. વરસાદના પગલે રસ્તાઓ ઉપર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની જોરદાર એન્ટ્રી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. સિહોરમાં રાત્રિના આઠ કલાક બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રસ્તા, ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદના આગમનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ધોધમાર વરસાદના પગલે વીજળી ડૂલ થતાં લોકો અંધારામાં હેરાન થયા હતા. રાત્રે ૧૦-૩૦ કલાક બાદ પણ સિહોરમાં વરસાદ શરૂ રહ્યો હતો. તાલુકાના વરલ, ટાણા, ગુંદાળા, અગિયાળી, બેકડી, થોરાળી, દેવગાણા, બોરડી, બુઢણા, લવરડા, વાવડી, રાજપરા, થાળા, સણોસરા, જીથરી, જાંબાળા, કાજાવદર, વડિયા, ઉસરડ, ઘાંઘળી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મેઘકૃપાને હરખભેર વધવી હતી.

પાલિતાણામાં પણ મોડી સાંજ બાદ પ્રથમ ઝાપટું અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબકતા પોણો ઈંચ મેઘમહેર નોંધાઈ હતી. જ્યારે ઘોઘામાં પણ મોડી સાંજ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ઉમરાળામાં રાત્રે આઠ કલાક બાદ વરસાદના ઝાપટાં વરસ્યા હતા.

શહેરના જવાહર મેદાનમાં 3 યુવાન ઉપર વીજળી પડી, એક ગંભીર

ભાવનગર શહેરમાં આજે મોડી સાંજ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. એકધારે વરસેલા વરસાદ વચ્ચે આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. તો ક્યારેક વીજ કડાકા-ભડાકા પણ સાંભળવા મળ્યા હતા. વરસાદ વચ્ચે શહેરના જવાહર મેદાનમાં સાંજના ૭-૧૫ વાગ્યા આસપાસ વીજળી પડતા ત્રણ યુવાનને ઈજા થઈ હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા એક વ્યક્તિ ગંભીર  હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સાંજે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી વરસેલો વરસાદ

તાલુકો

વરસાદ

વલ્લભીપુર

૪૨ મિ.મી.

ઘોઘા

૨૩ મિ.મી.

ભાવનગર

૧૪ મિ.મી.

પાલિતાણા

૧૮ મિ.મી.

સિહોર

૩૮.૫ મિ.મી.

ઉમરાળા

૦૩ મિ.મી.