Get The App

હોળી ટાણે હૈયાહોળીઃ અમરેલી અને વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ

Updated: Mar 4th, 2023

GS TEAM

Google News
Google News
હોળી ટાણે હૈયાહોળીઃ અમરેલી અને વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ 1 - image


ધુળેટી સુધી ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી  કેસર કેરી સહિત પાકને નુક્શાનની ભીતિ, બગસરા, ખાંભા, સાવરકુંડલા, ધારી પંથકમાં ગાજવીજ સાથે ઝાપટાં,વિસાવદર યાર્ડમાં કૃષિપાક ભીંજાયો : આજે,કાલે દક્ષિણ ગુજરાત અને મંગળ,બુધવાર (ધુળેટી)ના દિવસે સૌરાષ્ટ્રમાં પણ 30-40 KM ઝડપે પવન સાથે વરસાદની ચેતવણી જારી 

રાજકોટ, : સોમવારે હોલિકાદહન માટે સૌરાષ્ટ્રમાં ખૂબ ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે અને માર્કેટ યાર્ડો હાલ રવિસીઝનના કૃષિ પાકથી છલકાઈ રહ્યા છે તે ટાણે માવઠાંની મુસીબતે હૈયાહોળી સર્જી છે. આજે અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, બગસરા, ખાંભા સહિત વિસ્તારો તથા વિસાવદર પંથકમાં કસમયનું ચોમાસુ હવામાન સર્જાયું હતું અને ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા છે. જેના પગલે આ વિસ્તારમાં થતી કેસર કેરી સહિતના કૃષિપાક બાબતે ખેડૂતોમાં  ચિંતા જાગી છે. 

આજે સાંજે હવામાનમાં પલટા સાથે ધારી અને આસપાસ જોરદાર ઝાપટું વરસ્યું હતું. ખાંભાના ગ્રામ્ય વિસ્તાર, સાવરકુંડલા શહેર, ઉપરાંત આ બન્ને તાલુકાના પીઠવડી, જીંજુડા, સેંજળ, વાંકિયા, જીકીયાળી, ઈંગોરાળા સહિત ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.બાબરામાં હળવો તથા લુણગી ગામે ભારે ઝાપટું વરસ્યું હતું. 

ધારીના ગોવિંદપર, ઉપરાંત દેવળા સહિત ગામોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે જ્યાં ડાભાળી-દેવળા જવાના માર્ગ પર વિજપોલ ધરાશાયી થયો હતો. સરસીયા, સુખપુર, કાંગસા, નાગધરા, ડાભાળી, મીઠાપુર, વીરપુર, દલખાણીયા સહિત વિસ્તારોમાં પણ કમોસમી ઝાપટાં વરસ્યા હતા. ઉપરાંત ગીર, સાવરકુંડલા પંથકમાં વરસાદથી કેસર કેરી તથા ઘંઉ,ચણા,જીરુ,ધાણાના ઉભા પાકને નુક્શાનીની ભીતિ જાગી છે. બગસરા પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા હતા.સામાન્ય વરસાદે વિજળી ગૂલ થઈ ગઈ હતી. 

વિસાવદર શહેર ઉપરાંત લાલપુર, કાલસારી, વેકરીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠાંથી માર્ગો ભીંજાયા હતા અને માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ કૃષિ પાક ભીંજાતા ખેડૂતોની ઉપાધી વધી હતી. પાકને સલામત જગ્યાએ ખસેડવા દોડધામ થઈ હતી.  બીજી તરફ, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં ધૂંધળુ હવામાન રહ્યું હતું. 

મૌસમ વિભાગે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદની ચેતવણી જારી કરાઈ છે.  આવતીકાલ રવિવાર અને સોમવારે હોળીના દિવસે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને તા. 7 અને તા. 8 ધુળેટીના દિવસે રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, કચ્છ, ઉપરાંત સાપરકાંઠા, બનાસકાંઠા, નર્મદા, દાહોદ, તાપી, છોટા ઉદેપુર સહિત જિલ્લાઓમાં ગાજવીજ અને કલાકના 30થી 40 કિ.મી.ની ઝડપે તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત આજે સવારે ઉત્તર ગુજરાત ઉપર સમુદ્ર સપાટીથી 1.5  કિ.મી. ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ખેંચાયેલા વાદળો છૂટાછવાયા વરસવા લાગ્યા છે. બીજી તરફ, અમરેલી, રાજકોટ, કેશોદ, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39 સે.થી વધુ અને અમદાવાદ, વડોદરા, સહિતના સ્થળે 38ને પાર થતા અને આકાશ વાદળિયુ રહેતા વસંત ઋતુમાં બફારો અનુભવાયો હતો.

Tags :