Get The App

ભાવનગરમાં આઠ કલાક અનરાધાર વર્ષા, ઘોઘામાં અઢી ઈંચ પાણી વરસ્યું

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં આઠ કલાક અનરાધાર વર્ષા, ઘોઘામાં અઢી ઈંચ પાણી વરસ્યું 1 - image


ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદ

સિહોરમાં પોણા બે, વલ્લભીપુરમાં દોઢ, ઉમરાળામાં એક ઈંચ : પાંચ તાલુકામાં ઝાપટું

ભાવનગર: ભાવનગરમાં બપોરથી શરૂ થયેલી મેઘમહેર રાત્રિ સુધી અનરાધાર વરસી રહી હતી. એકધારે વરસેલા વરસાદના પગલે બે ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. 

હવામાન વિભાગ દ્વારા આજે ગુરૂવારે અને આવતીકાલ શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે રાત્રિના આઠ કલાક સુધીમાં સમગ્ર જિલ્લામાં ઝાપટાંથી લઈ અઢી ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. વલ્લભીપુરમાં બપોરથી રાત્રિ સુધીમાં પોણા બે ઈંચ, ઉમરાળામાં એક ઈંચ, ઘોઘામાં અઢી ઈંચ, સિહોરમાં સવારે અર્ધો બાદ બપોરથી સાંજ સુધીમાં સવા ઈંચ, ગારિયાધાર, પાલિતાણા અને તળાજામાં પા ઈંચ, મહુવા અને જેસરમાં ઝાપટું વરસ્યું હતું. ભાવનગરમાં બપોરે ધોધમાર બાદ રાત્રિ સુધી ધીમીધારે સતત વરસાદ શરૂ રહ્યો હતો. શહેરમાં બપોરે ૧૨થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં બે ઈંચથી વધુ પાણી વરસી હોવાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે. 

ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં મધરાત્રિથી જ ભારે વરસાદની અસર વર્તાવા લાગી હતી. મધરાત્રે ઘોઘા અને સિહોરમાં અર્ધ ઈંચ, ભાવનગરમાં પા ઈંચ વરસાદ થયો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં અર્ધો, ગઢડામાં બે મિ.મી. અને બોટાદમાં પાંચ મિ.મી. પાણી વરસ્યું હતું.

શહેરમાં 14 દિવસ બાદ તાપમાન 30 ડિગ્રીની નીચે 

ભાવનગરમાં બપોરથી સતત વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના કારણે ગઈકાલની તુલનામાં આજનું મહત્તમ તાપમાન ૪.૪ ડિગ્રી નીચું સરકી ૨૯.૬ ડિગ્રીએ સ્થિર થયું હતું. છેલ્લે ૨૦ ઓગસ્ટે તાપમાનનો પારો ૨૮.૪ ડિગ્રી રહ્યો હતો. ત્યારબાદ ૧૪ દિવસ પછી તાપમાન ૩૦ ડિગ્રીની નીચે નોંધાયું છે. આકાશમાં ઘેરાયેલા રહેલા કાળાડિબાંગ વરસાદી વાદળોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા સુધી પહોંચી ગયું હતું.


Tags :