Gujarat

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા

By GS TEAM
1 Nov 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ વરસાદે રીતસરની તારાજી સર્જી છે. જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ખાંભા અને જાફરાબાદ તાલુકા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા

Unseasonal Rain in Amreli:
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ વરસાદે રીતસરની તારાજી સર્જી છે. જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ખાંભા અને જાફરાબાદ તાલુકા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

ખાંભામાં જળબંબાકારની સ્થિતિ

ખાંભા પંથકમાં જળબંબાકારની સ્થિતિ ખાંભા ગીર પંથકના ગામડાઓમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરવાસના પીપળવા, ઉમરીયા, લાસા, તાતણીયા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. આ ઉપરાંત ખાંભાના દાઢીયાળી, ભાવરડી, દિવાન સરાકડીયા સહિતના ગામોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખાંભાના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

ઘરોમાં પાણી ઘૂસ્યા, બાઇક તણાયું

જાફરાબાદ તાલુકામાં ભારે તારાજી જાફરાબાદ તાલુકાના માણસા, પાટી, હેમાળ, લોર, ફાસરીયા ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. અહીંના મોટા માણસા ગામની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં ભારે વરસાદને કારણે ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે. ગામની બજારમાં એટલો પ્રવાહ હતો કે એક બાઇક પણ પાણીમાં તણાઈ ગયું હતું.

નીચાણવાળા ગામોને ઍલર્ટ કરાયા

સતત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. ભારે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ જતાં ડેમના 2 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ, ધાતરવડી નદીમાં પૂર આવતા ધાતરવડી ડેમ 2 માં 5400 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાયડી ડેમના નીચાણવાળા ગામો જેવા કે મોટા અને નાના બારમણ, ચોતરા, મીઠાપુર તેમજ ધાતરવડી ડેમના નદીકાંઠાના ગામોને ઍલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં કોઈને પણ અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.