અમરેલી, સુ.નગર, ભાવનગર, રાજકોટ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ
ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં પલ્ટો : વંટોળિયા સાથે માવઠું, ઉનાળુ કૃષિને નુક્શાનની ભીતિ : સુ.નગરના સાયલા,ચોટીલા,નવસારીના વાંસદા,બોટાદમાં ધોધમાર વરસાદ : એક ઈંચ કરાં પણ વરસ્યા : રાજકોટ-ચોટીલા, લીંબડી-અમદાવાદ હાઈવે પર તોફાની પવન સાથે માવઠાંથી ટ્રાફિકને અસર
રાજકોટ, : સમગ્ર રાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અનેક સ્થળે હવાના સાયક્લોનિક સર્ક્યુલેશનથી બદલાયેલા હવામાનની સાથે ગુજરાતમાં આજે હવામાન પલટાયું હતું. રાજ્યમાં ઠેરઠેર ધૂળિયુ તોફાન સાથે વંટોળિયા અને ગાજવીજ સાથે ધોધમાર ઝાપટાંથી એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અણધાર્યા વરસાદથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અમરેલી પંથકમાં તથા સુરેન્દ્રનગરના સાયલા, ચોટીલા તાલુકા તથા રાજકોટ-અમદાવાદ હાઈવે વચ્ચે, બોટાદ, નવસારીના વાંસદા વગેરે પંથકમાં એક ઈંચ વરસાદ અને સાબરકાંઠાના ઈડર અને પ્રાંતીજ, બનાસકાંઠાના દાંતા, ભાવનગરના ઉમરાળા, ડાંગના વઘઈ તથા અમીરગઢ, હિંમતનગર, કલોલ, ગાંધીનગર, પોશીનામાં અર્ધો ઈંચ અને સૌરાષ્ટ્રના રાજકોટ,મોરબી જિલ્લામાં મોરબી, જસદણ, ગોંડલ, વાંકાનેર સહિત અનેક સ્થળોએ ધોધમાર કમોસમી વરસાદના અહેવાલો છે. બોટાદ અને અમરેલી પંથકમા તોફાની વરસાદની સાથે બરફના કરાં પણ વરસ્યા હતા અને ખેતરોમાં ધસમસતા ગોઠણડૂબ પાણી વહ્યા હતા.આ વરસાદ પ્રિમોન્સૂન ગણાય છે અને હવે ચોમાસુ વહેલુ આવે તેવો સંભવ છે.કમોસમી વરસાદથી બાજરી,મગફળી સહિત ઉનાળુ વાવેતરના કુમળા છોડને કેટલાક સ્થળોએ આંશિક નુક્શાનની ભીતિ સેવાય છે.
સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને એકાએક તીવ્ર ગતિએ પવન ફૂંકાતા ધૂળનું તોફાન સર્જાયું હતું અને હવામાન ધૂંધળુ બની ગયું હતું. ચોટીલા ચામુંડા માતાજીના ડૂુંગરથી રાજકોટ વચ્ચે તેમજ લીંબડીથી અમદાવાદ હાઈવે પર ધૂળની ડમરી સાથે વરસાદથી વાહનચાલકોને હેરાનગતિ થઈ હતી અને હેડલાઈટ ચાલુ કરીને વાહનો ધીમા હંકાવવાની ફરજ પડી હતી.સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, મુળી, લખતર, સાયલા, થાન સહિત અનેક સ્થળે ઝાપટાં વરસ્યાના અહેવાલો છે.
અમરેલી ના લાઠીના આસોદર અને મતીયાળા,ઈશ્વરીયામાં ધોધમાર વરસાદ સાથે બરફના કરાં વરસ્યા હતા. કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા તથા રાજકમલ ચોક, ભીજભંજન ચોકમાં પાણી ભરાયા હતા. ઈશ્વરીયા,નાના ભંડારીયા, ચાપાથળ, વિઠ્ઠલપુર, ખંભાળીયા ફતેપુર સહિતના વિસ્તારોમાં મીની વાવાઢોડુ પણ ફૂંકાયું હતું. વડીયાના ચોકી પાસે પોલીસ ચોકીને નુક્શાન થયું હતું તથા સપ્તાહ કથા માટેના ડોમ ધસી પડયા હતા. કુંકાવાવથી દેરડી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. વડિયામાં રામપુરથી તોરીગામ જતા રોડ પર ભારે વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થઈ ગયો હતો અને વિજળી પૂરવઠો પણ ખોરવાયો હતો. બગસરા પંથકમાં જેઠાયાવદર, સમઠઢીયાળા, કાગદડી, સાપર, સુડાવડ, લુધીયા, હામાપુરમાં તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ભાવનગર -બોટાદ પટ્ટી પર તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, ખેતરમા ગોઠણડૂબ પાણી વહેતા નજરે પડયા હતા. બોટાદમાં 1 ઈંચ, ઉમરાળામાં અર્ધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠાંની મુસીબતથી કૃષિને નુક્શાનના અહેવાલ છે.
રાજકોટ જિલ્લામાં પણ કાળાડિબાંગ વાદળો ધસી આવ્યા હતા, જસદણના ગ્રામય વિસ્તારા આટકોટ, વીરનગર, જંગવડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદના અહેવાલ છે. જસદણના લાલાવદર ગામે ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયું હતું અને એક કાર ઉપર વૃક્ષ પડતા નુક્શાન પહોંચ્યું હતું. કમોસમી વરસાદથી તલના પાકને નુક્શાનની ભીતિ છે. જસદણના લાખાવડમાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. ગોંડલ તાલુકાના પાંચીયાવદર, ખરેડા, સેમળા સહિત વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાંકાનેરમાં મીની વાવાઝોડા સાથે વરસાદથી વીજપૂરવઠો ખોરવાયો હતો. રાજકોટ શહેરમાં પણ તીવ્ર પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી.
મોરબીમાં સાંજે મીની વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા હતા અને ભારે પવન વચ્ચે વાહનચાલકો મૂશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા તો ટંકારાના સજનપર ગામ સહિત જિલ્લામાં ઠેરઠેર ઝાપટાં વરસ્યાના અહેવાલો છે. ગુજરાતમાં આ ઉપરાંત ગાંધીનગર,પોશીના,કલોલમાં ઝાપટાં, હિંમતનગર, અમીરગઢ, વઘઈ વગેરે વિસ્તારમાં અર્ધો ઈંચ સુધી વરસાદના અહેવાલો છે. એકંદરે રાજ્યમાં ઠેરઠેર તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવા ઝાપટાંથી માંડીને એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો જેમાં વૃક્ષો ધરાશયી થવા, વિજપૂરવઠો ખોરવાવો, કૃષિપાકને નુક્શાન, મંડપ ઉડવા સહિતના નુક્શાનીના અહેવાલો છે.