'અ'સલામત સવારીઃ જામનગર ડિવિઝનમાં 257 પૈકી 99 ST બસ અતિ ખખડધજ
ST નિગમનું નવું સૂત્ર છે - 'ખખડધજ સવારી, ST અમારી..!' નિર્ધારિત કિલોમીટર કરતાં વધુ ચાલેલી સૌથી વધુ ભાંગેલી-તૂટેલી એસટી બસોમાં જામનગરનો ડેપો નંબર-૧ અને બીજા ક્રમે ખંભાળિયા એસટી ડેપો
જામનગર, : 'સલામત સવારી, એસ.ટી. અમારી'નું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતા સલામત સવારીને લઈ સવાલો ઉભા કરે છે. જામનગરનો એસટી ડેપો પોતાની ખખડધજ બસો માટેની અલગ જ ઓળખ ધરાવે છે અને તેમાં નંબર-1 આવે છે.
જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા પાંચ ડેપોની કુલ 257 બસમાંથી 40 ટકા જેટલી એટલે કે 99 બસ તો નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. આમ છતા આ બસો ઓન રોડ ચાલી રહી છે. જે જોખમી મુસાફરી કહી શકાય તેમ છે. જામનગર ડિવિઝનમાં કટાઈ ગયેલા પતરા, તૂટેલી સીટો, બારીઓના તૂટેલા કાચ, દોરી વડે બાંધેલા દરવાજા.. આવી અનેક બસોમાં હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબુર છે. એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ છે. પરંતુ રોજનું અપડાઉન કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો એસ.ટી. જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી, એટલે મુસાફરોને નાછુટકે ખખડધજ બસોમાં મુસાફરી કરવી પડી રહી છે, અને નિગમ પણ મુસાફરોની તકલીફથી વાકેફ હોવા છતાં ઝડપથી યોગ્ય હલ લાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. આમ જામનગર વિભાગીય કચેરી હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એકસપ્રેસ, 22 મીની બસ અને 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ કિલોમીટર ચાલી ગઈ છે. વળી, ખખડધજ એસટી બસોમાં સૌથી વધુ જૂની બસો જામનગર ડેપો પાસે છે અને તેનો નંબર -1 આવે છે. જ્યારે બીજો ક્રમ ખંભાળિયા એસટી ડેપોનો છે.