રાજકોટની 11સૂચિત સોસાયટી સહિત 31 વસાહતોમાં અશાંતધારો
ભૂતકાળનાં હિંસક તોફાનોને ધ્યાને લઈને સરકારનું જાહેરનામું હવે સોરઠિયાવાડી સર્કલ નજીકથી હુડકો ચોકી તરફના વિસ્તારોમાં પણ સ્થાવર મિલકતોનું વેંચાણ પૂર્વ મંજૂરી વિના નહીં થઈ શકે
રાજકોટ, : રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં 15 જાન્યુઆરી- 2021થી અશાંતધારો લાગુ થયા બાદ હવે વધુ કેટલાંક વિસ્તારોમાં આ ધારો તત્કાલ અસરથી અમલી બનાવવામાં આવ્યો છે. તેમાં મોટાભાગે સોરઠિયાવાડી સર્કલથી આગળ હુડકો ચોકી સુધીની 31 વસાહતોને હાલ સમાવી લેવામાં આવી છે અને આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારો પણ આવી શકે છે.
મહેસુલ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીની સહીથી આજે જાહેરનામું બહાર પાડીને સિટી સર્વે વોર્ડ નંબર 11, 11-1, 11-2વાળી વસાહતોમાં અશાંતધારો (ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટર્બ એરીયાઝ એક્ટ) લાગુ કરી દેવામાં આવ્યો છે.
ભૂતકાળમાં જ્યાં ટોળાં દ્વારા હિંસક તોફાનો અને કોમી દંગા થયા હોય એની તીવ્રતા અને લાંબા સમયગાળાને ધ્યાને લઈને આ ધારો અમલમાં મકાય છે. તદ્દનુસાર, હવે નિલકંઠ પાર્ક, દેવપરા, હુડકો, કેદારનાથ સોસયટી, દિપ્તીનગર વગેરે ૩૧ વસાહતોમાં સ્થાવર મિલકતોનાં વેંચાણ- તબદિલી જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નહીં થઈ શકે. અલબત્ત, અગાઉના અશાંત વિસ્તારોમાં મંજૂરી આપવાની સત્તા પ્રાંત અધિકારીને તબદિલ કરી દેવામાં આવી હોવાથી આ નવા વિસ્તારોમાં પણ રાજકોટ સિટી- ૧ પ્રાંત અધિકારીને સત્તા સોપવા કલેક્ટર તંત્રએ આજે સરકારમાં દરખાસ્ત કરી દીધાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
આજે જાહેરનામું આવતાં જ કલેક્ટરે ટાઉન પ્લાનિંગ વિભાગ તથા સિટી સર્વે વિભાગના અધિકારીઓને બોલાવીને સૂચના આપી હતી કે સંબંધિત સબ રજિસ્ટ્રારો ( ઝોન- 2, ઝોન- 7 તથા સંભવતઃ ઝોન- 1)ને જે- તે વિસ્તારોના નક્શા તત્કાલ પૂરા પાડવા, જેથી કાલથી આ કચેરીઓમાં નોંધણી માટે આવતા આ વિસ્તારોના દસ્તાવેજોની નોંધણી અટકાવી શકાય. ઉપરાંત, તેની આસપાસના ૫૦૦ ચોરસમીટરમાં કયા- કયા વિસ્તારો આવે છે તેની મોજણી પણ શરૂ કરાશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે આજે જ્યાં અશાંતધારો લાગુ થયો તે પૈકી તિરૂપતિ સોસાયટી આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળ અને બાકીની ૩૦ વસાહતો ભક્તિનગર પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે. 31માંથી 11 તો સૂચિત સોસાયટી છે. મામલતદાર અને પોલીસના અભિપ્રાયમાં વિલંબ થતો હોવાની તેમજ સિટી- 1 પ્રાંત અધિકારીની કચેરીમાં આ માટે પૂરતા સ્ટાફના અભાવે આસામીઓએ મિલકત વેંચાણમાં રાહ જોવી પડતી હોવાની ફરિયાદો અગાઉ ઉઠી હતી, જે સંદર્ભે તંત્ર હવે શું પગલાં લે છે તેના પર મીટ મંડાયેલી છે. શરૂઆતના અમૂક દિવસોમાં આ મામલે નોંધણી કચેરીઓ અને સંબંધિત અન્ય કચેરીઓમાં અફડાતફડી થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
કયા- કયા નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો
* નિલકંઠ પાર્ક * મેહુલનગર * દેવપરા * ગોકુલનગર * મેઘાણીનગર * * સોરઠિયાવાડી વિસ્તાર સોસાયટી * વિવેકાનંદ સોસાયટી * પુનિત સોસાયટી * પટેલનગર સોસાયટી * મહેશ્વરી સોસાયટી * પરસાણા સોસાયટી * નવદુર્ગા રોડ * તક્ષશિલા સોસાયટી * યાદવનગર સોસાયટી * શિયાણી સોસાયટી * કીર્તિધામ * મારૂતિનગર * રાધાકૃષ્ણ નગર * હુડકો- સી અને ડી ટાઈપ * તિરૂપતિ સોસાયટી.
સૂચિત સોસાયટીઓઃ * ગોવિંદનગર * ન્યુ કેદારનાથ * સર્વોદય સોસાયટી * ન્યુ સર્વોદય સોસાયટી * સાગર સોસાયટી * ન્યુ સાગર સોસાયટી * કેદારનાથ સોસાયટી * ભોજલરામ સોસાયટી * નાડોદાનગર * સીતારામ સોસાયટી * દિપ્તીનગર.