કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું
ગેરકાયદેસર મશીનમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાની આશંકા THO સહિતના સ્ટાફે બાતમીના આધારે સ્ટિંગ ઓપરેશન કર્યું : મશીન કબ્જે કરી FSL મદદ લેવાઈ
જૂનાગઢ, : કેશોદમાં બાતમીના આધારે તાલુકા આરોગ્ય અધિકારી સહિતના સ્ટાફે સ્ટીંગ ઓપરેશન કરી એક રહેણાક મકાનમાં નોંધણી વગર રહેલું સોનોગ્રાફી મશીન કબ્જે કરી સીલ કર્યું હતું. આરોગ્ય વિભાગે કોર્ટને જાણ કરી મશીનમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થયું છે કે કેમ ? એ જાણકારી માટે એફએસએલની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વશું વિગત મુજબ કેશોદના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા રમેશભાઇ માધવજીભાઈ મકવાણાના નિવાસસ્થાને નોંધણી વગરના સ્થળ પર નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન હોવાની કેશોદ તાલુકા આરોગ્ય વિભાગને માહિતી મળી હતી. જેના આધારે તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડાભી સહિતના સ્ટાફે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેમાં રમેશભાઈ મકવાણાના ઘરેથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન મળી આવ્યું હતું. જેને કબ્જે કરી પીસી એન્ડ પીએનડીટી એક્ટની કલમના ભંગ બદલ સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું. આ અંગે આરોગ્ય વિભાગે કોર્ટને જાણ કરી હતી.
રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલા આ મશીનમાં ગર્ભ પરીક્ષણ થયાની આશંકા છે. જેના માટે આરોગ્ય વિભાગે એફએસએલની મદદ લીધી છે.
આ અંગે કેશોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડાભીએ જણાવ્યું હતું કે સોનોગ્રાફી મશીન નોંધણી વગર રાખવું એ જ ગુનો છે. મશીન કોઈ હોસ્પિટલ માટે ખરીદ કરવાનું હોય તો આરોગ્ય વિભાગની મંજુરી લેવી પડે છે. જેમાં ક્યાંથી મશીન ક્યાં વાહનમાં આવશે, ક્યાં સ્થળે રાખવાનું છે એ બાબતની પણ નોંધણી સહિતની વિગતો આપવાની હોય છે. આ કિસ્સામાં સ્થળ કે મશીનની નોંધણી થઈ નથી. હવે એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.