Get The App

કાર વહેલી અપાવવા નામે અપરણિત મહિલા વેપારીના રૂ.3.14 લાખ પડાવી લીધા

જીવનસાથી.કોમ મારફતે યુવાનનો સંપર્ક થયો હતો : પિતાને કાર ગિફ્ટ આપવા માંગતી વરાછાની વેપારી યુવતી પાસે ટુકડે ટુકડે પૈસા પડાવી બાદમાં મળવાનું બંધ કરી દીધું

ગુગલ-પેથી રકમ મેળવ્યા બાદ પણ યુવતીની દુકાને આવીને અભિષેક મોટી રકમ લઈ જતો હતો : પૈસા પરત માંગ્યા ત્યારે બેંકમાં પૈસા જમા કરાવ્યાના બોગસ સ્ક્રીન શોટ મોકલ્યા

Updated: Feb 5th, 2022

GS TEAM

Google News
Google News
કાર વહેલી અપાવવા નામે અપરણિત મહિલા વેપારીના રૂ.3.14 લાખ પડાવી લીધા 1 - image

- જીવનસાથી.કોમ મારફતે યુવાનનો સંપર્ક થયો હતો : પિતાને કાર ગિફ્ટ આપવા માંગતી વરાછાની વેપારી યુવતી પાસે ટુકડે ટુકડે પૈસા પડાવી બાદમાં મળવાનું બંધ કરી દીધું

- ગુગલ-પેથી રકમ મેળવ્યા બાદ પણ યુવતીની દુકાને આવીને અભિષેક મોટી રકમ લઈ જતો હતો : પૈસા પરત માંગ્યા ત્યારે બેંકમાં પૈસા જમા કરાવ્યાના બોગસ સ્ક્રીન શોટ મોકલ્યા

સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને ગ્લોબલ માર્કેટમાં સાડી અને કુર્તીનો વેપાર કરતી 30 વર્ષની અપરણિત યુવતીને કાર વહેલી અપાવવાના બહાને જીવનસાથી.કોમ મારફતે સંપર્કમાં આવેલા યુવાને રૂ.3.14 લાખ પડાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશની વતની અને સુરતમાં વરાછા પુણા બોમ્બે માર્કેટ જલવંત ટાઉનશીપ યુ-403 માં રહેતી 30 વર્ષની અપરણિત શિવા શ્રવણગૌરવ તીવારી વરાછા ગ્લોબલ માર્કેટમાં લીબાસ પ્રેઝન્ટેડ બાય શીવા ટેક્ષટાઈલના નામે સાડી અને કુર્તીનો વેપાર કરે છે. એક વર્ષ અગાઉ તે જીવનસાથી.કોમ મારફતે અભિષેક સુરેશકુમાર નંદવાનીના સંપર્કમાં આવી હતી. બંને ફોન પર વાત કરતા હતા અને ગત 1 ડિસેમ્બર 2021 ના રોજ અભિષેક તેને ઘરે મળવા આવ્યો હતો. વાતચીતમાં શિવાએ પિતાને ગિફ્ટ આપવા માટે ધ્રુવ મોટર્સમાં અર્ટિગા સીએનજી કાર બુક કરાવી છે પણ ઘણું વેઈટીંગ છે તેમ કહેતા અભિષેકે એક મિત્ર મારફતે બીજાને ત્રણ કાર અપાવી છે તો તારે સમયસર કાર લેવી હોય તો મને કહેજે તમ કહ્યું હતું.

શિવાએ હા પાડતા અભિષેક બીજા દિવસે રાત્રે નવ વાગ્યે ઘરે પૈસા લેવા આવ્યો હતો અને શિવાની સામે જ મિત્ર સાથે ફોન પર વાત કરી બાદમાં રૂ.1.51 લાખ તેને મોકલી કાર બુક કરાવી છે તેવો સ્ક્રીન શોટ શિવાને બતાવી તેની પાસેથી બુકીંગના રોકડા રૂ.78 હજાર લીધા હતા. રાત્રે ફરી તેણે ફોન કરી થોડા વધુ પૈસા આપવા કહેતા શિવાએ તેને રૂ.13 હજાર ગુગલ પે થી મોકલ્યા હતા. બીજા દિવસે અભિષેકે ફરી પૈસા માંગતા શિવાએ બીજા રૂ.18 હજાર ગુગલ પે કર્યા હતા. છતાં તે દુકાને આવ્યો હતો અને બીજા પૈસા માંગતા શિવાએ એટીએમમાંથી રૂ.80 હજાર ઉપાડીને તેને આપ્યા હતા.

ત્યાં જ અભિષેકે શિવાને કહ્યું હતું કે મારા મમ્મી-પપ્પાની આવતીકાલે મેરેજ એનિવર્સરી છે તો મમ્મીને આઈફોન ગિફ્ટ આપવો છે, હું મારો ક્રેડિટ કાર્ડ લાવ્યો નથી તારો ક્રેડિટ કાર્ડ આપ. હું તને બેત્રણ દિવસમાં પૈસા આપી દઈશ. શિવાએ તેને કાર્ડ આપવાને બદલે તેની સાથે મોબાઈલ શોપમાં જઈ રૂ.80 હજારનો આઈફોન અપાવ્યો હતો.બીજા દિવસે ફરી અભિષેકે પૈસા માંગતા શિવાએ રૂ.5 હજાર ગુગલ પે કર્યા હતા છતાં તેણે દુકાને આવી વધુ પૈસા માંગતા શિવાએ તેને એટીએમમાંથી પ[પૈસા ઉપાડી રૂ.40 હજાર આપ્યા હતા. રૂ.1.51 લાખના બુકીંગની સામે શિવાએ તેને રૂ.3.14 લાખ આપ્યા હોય તેની પાસે પેમેન્ટની રસીદ માંગતા અભિષેકે નવસારીના ધરમરાજ ઓટોમોબાઇલની રૂ.48 હજાર અને રૂ.1.51 લાખની રસીદનો ફોટો મોકલ્યો હતો.

કાર વહેલી અપાવવા નામે અપરણિત મહિલા વેપારીના રૂ.3.14 લાખ પડાવી લીધા 2 - image

શિવાને શંકા જતા તપાસ કરી તો તેવો કોઈ ડીલર નહોતો. આથી અભિષેકને ફોન કર્યો તો તેણે મેં એજન્ટને તમારી ફોર વ્હીલ ગાડીનું કામકાજ સોપેલ છે, અને હું તમારી સાથે ખોટુ નહી કરૂ મારી પર વિશ્વાસ રાખો તેમ કહી પોતાના આધારકાર્ડની કોપી મોકલી હતી.શિવાએ તેમાં વેસુનું સરનામું હોય તપાસ કરી તો અભિષેક ત્યાં પાંચ-છ વર્ષ અગાઉ ભાડેથી રહેતો હતો. તેથી અભિષેક છેતરી રહ્યો છે તેમ લાગતા શિવાએ પૈસા પરત માંગતા અભિષેકે શિવા પાસે બેન્ક એકાઉન્ટની વિગત માંગતા શિવાએ પિતાનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. જોકે, અભિષેકે તેમાં પૈસા જમા કરવાને બદલે પૈસા જમા કર્યા હોય તેવા બોગસ સ્ક્રીન શોટ મોકલ્યા હતા. અવારનવાર ફોન કરવા છતાં પૈસા નહીં આપતા અને મળવા પણ નહીં આવતા અભિષેક વિરુદ્ધ શિવાએ કરેલી અરજીના આધારે વરાછા પોલીસે ગતરોજ છેતરપિંડીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

કાર વહેલી અપાવવા નામે અપરણિત મહિલા વેપારીના રૂ.3.14 લાખ પડાવી લીધા 3 - image

રીઢા ગુનેગાર અભિષેકની બે વર્ષ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી

અભિષેક નંદવાની રીઢો ગુનેગાર છે અને બે વર્ષ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસે તેની ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હોવાનો બોગસ સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી. તે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઇલેક્ટ્રોનીક્સ દુકાનોમાં જઈ પોતાની ઓળખ કાપડ વેપારી રોહન ખન્ના તરીકે આપી કિંમતી સામાન ખરીદી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હોવાનો બોગસ સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો હોય તેના વિરુદ્ધ ગુના નોંધાયા હતા.