- બાઇકને ઉલાળી વાહન ચાલક નાસી છુટયો
- ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-સરા રોડ પર ત્રણ યુવકો બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન સરા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અકસ્માત બાદ રોડની સાઈડમાં ખાબકયુ હતું અને બાઈક પર સવાર ત્રણેય યુવકોને ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાશી છૂટયો હતો. પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવકો (૧) પ્રકાશભાઈ રાહુલભાઈ મુનિયા, ઉ.વર્ષ ૨૬, રહેથ સુંદરીભવાની (૨) મુકેશભાઈ મનસુખભાઇ નાયકા, ઉ.વર્ષ ૨૮, રહેથ કલ્યાણપુર (૩) ગોવિંદભાઈ અંગરિતભાઇ, ઉ.વર્ષ ૨૨, રહેથ સુંદરી ભવાની હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતને પગલે લોકોના તેમજ વાહન ચાલકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.


