યુનિ.માં ભણતા ૮૦ ટકા વિદ્યાર્થીઓને ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ નથી

વડોદરાઃ ફેશનેબલ કપડા હવે યંગસ્ટર્સના જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. ફેશનેબલ કપડા અંગે યુવાઓની પસંદ, નાપસંદ અને તેને અસર કરતા પરિબળો અંગે એમ.એસ.યુનિવસટીના સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ રિતિકા શર્મા, દિવ્યા પાટીલ, રિધ્ધિ પરમાર અને તેજસ્વી પટેલે વિભાગના અધ્યાપક ડો.મનિષા પંડયાના હાથ નીચે એક સર્વે હાથ ધર્યો હતો.
આ સર્વેમાં એમ.એસ.યુનિવસટીની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા ૨૨૮ સ્ટુડન્ટસને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી.
આ સર્વેના તારણ પ્રમાણે હવે ઓનલાઈન શોપિંગની બોલબાલા વધી રહી છે પણ કપડાની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી ૮૦ ટકા યંગસ્ટર્સ હજી પણ સ્ટોર્સ અને દુકાનોમાંથી જ કપડા ખરીદવાનુ પસંદ કરે છે.માત્ર ૨૦ ટકા સ્ટુડન્ટસે કપડાની ખરીદી ઓનલાઈન કરતા હોવાનું કહ્યું હતું.યુવાઓએ ટ્રાયલ લઈ શકાતી હોવાથી દુકાનો અને સ્ટોર્સમાંથી કપડા ખરીદવાનું વધારે પસંદ હોવાનું કહ્યું હતું.ઓફલાઈન ખરીદીમાં પણ ૩૦ ટકા યંગસ્ટર્સે નોન બ્રાન્ડેડ કપડાની દુકાનોમાંથી ખરીદી કરતા હોવાનું અને ૭૦ ટકાએ બ્રાન્ડેડ સ્ટોર્સમાંથી ખરીદી કરતા હોવાનું જણાવ્યું હતું.
કપડાની ખરીદી પર અસર કરતા પરિબળો અંગે બહુમતી વિદ્યાર્થીઓએ આરામદાયક કપડાને પહેલી પસંદગી આપી હતી.આ સિવાય બજેટ, કાપડ અને ડિસ્કાઉન્ટ પણ યુવાઓની ખરીદી માટે મહત્વના હોવાનું આ સર્વેમાં બહાર આવ્યું હતું.
તહેવારોમાં ટ્રેડિશનલ કપડાની બોલબાલા
ઉંમર પ્રમાણે પણ પસંદગી બદલાય છે.વધતી વયની સાથે ટ્રેડિશનલ કપડા તરફ ઝુકાવ વવાની શક્યતા વધારે છે તેવું આ સર્વે કહે છે.રોજ બરોજ પહેરાતા કપડામાં યંગસ્ટર્સે કેઝયુઅલ કપડાને પહેલી પસંદગી ગણાવ્યા હતા.જ્યારે તહેવારોમાં ૬૮ ટકાએ ટ્રેડિશનલ કપડા પહેરતા હોવાનું અને ૨૫ ટકા કેઝયુઅલ કપડા પહેરતા હોવાનું જણાવ્યું હતું.
સોશ્યલ મીડિયાનો નહીંવત પ્રભાવ
સોશ્યલ મીડિયાનો પ્રભાવ જીવનના દરેક ક્ષેત્રમાં છે પણ વિદ્યાર્થીઓ કપડાની પસંદગી માટે પોતાની જાતે અથવા સોશ્યલ મીડિયા સિવાયના પરિબળોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે.માત્ર ૩૫ ટકા વિદ્યાર્થીઓએ સર્વેમાં કહ્યું હતું કે, ફેશન ઈન્ફ્લુએન્સર્સ ક્યારેક-ક્યારેક પ્રભાવિત કરે છે તો ૩૧ ટકાએ ભાગ્યે જ સોશ્યલ મીડિયા પરના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કપડાની પસંદગી કરતા હોવાનું કહ્યું હતું.
ફોર્મલ કપડા પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે
અભ્યાસ કરવા જતી વખતે કયા પ્રકારના કપડા પર વિદ્યાર્થીઓ પસંદગી ઉતારે છે તેના જવાબમાં ૩૬ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ફોર્મલ કપડા પહેરવાથી આત્મવિશ્વાસ વધતો હોવાનું અનુભવાય છે.
રોજ બરોજના પહેરવેશમાં ૨૭ ટકાએ કેઝ્યુઅલ કપડાને પ્રાધાન્ય આપ્યું હતું.એક ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓએ સ્પોર્ટસ વેર પહેરતા હોવાનું કહ્યું હતું.
૪૩ ટકા ગર્લ્સે કપડાની પસંદગીમાં સૌથી મહત્વનું પરિબળ કાપડ અને ૪૩ ટકાએ આરામદાયક અનુભવ હોવાનું કહ્યું હતું.૪૩ ટકા ગર્લ્સે અને ૨૯ ટકા બોયઝે બ્રાન્ડ મહત્વની નહીં હોવાનું કહ્યું હતું.








