સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા
સાતમ, આઠમ અને નોમના દિવસે ભક્તો અહીં ચાચર નાંખે છે અને માતાજીની આરાધના કરે છે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં આવેલા સ્મશાનમાં સ્મશાન ગૃપ દ્વારા નવરાત્રી નિમિત્તે એક અનોખા ધાર્મિક આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસથી માંડીને નવ દિવસ સુધી અહીં માતાજીની આરાધના અને ગરબાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં ભાગ લે છે.
આ આયોજનની એક ખાસ ઓળખ એ છે કે અહીં વર્ષોે જૂની વેશધારણની પરંપરાનું પાલન થાય છે, જે ખાસ કરીને સાતમ, આઠમ અને નોમ સાથે જોડાયેલી છે. આ પરંપરા અંતર્ગત, ભક્તો અહીં ચાચર નાંખે છે અને માતાજીની આરાધના કરે છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ દિવસ દરમિયાન સતત વરસાદ હોવા છતાં, મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા ઉમટી પડયા હતા. આ આયોજન પાછળનો હેતુ એ છે કે માતાજીની કૃપાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય. માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને પ્રસાદનો લાભ લે છે. અનેક લોકો માનતા રાખ્યા પછી પોતાની માનતા પૂર્ણ થતાં અહીં વેશધારણ કરીને પરંપરા નિભાવે છે.