અનોખો નિવૃત્તિ વિદાયમાન : પોસ્ટ માસ્તર અને 3 તેડાગર બહેનોનું સ્મશાનમાં સન્માન
- ગ્રામજનોની વિશાળ હાજરીમાં
- ત્રણ કર્મચારીને મેલડીમાતાની છબી અને એક તેડાગર બહેનને કુરઆન શરીફ અર્પણ કરાયું
શહેરી વ્યવસ્થા કરતા ગ્રામ્ય વ્યવસ્થામાં લાગણીના સબંધોનું મહત્વ વિશેષ હોય છે. આર્થિક ઉપાર્જન માટે નોકરીનું મહત્વ સવિશેષ રહેલું છે ત્યારે નિવૃત્તિ અને તેનું સન્માન પણ યાદગાર પ્રસંગ બને છે જેની વિશેષ ઉજવણી પણ નોંધપાત્ર બને છે. આવો જ પ્રસંગ મહુવા તાલુકાના મોણપર ગામે બન્યો હતો. મોણપર ગામના બ્રાંચ પોસ્ટ માસ્તર અશોકભાઇ એમ. જાની અને ત્રણ આંગણવાડીના તેડાગર બહેનો જેમાં મધુબેન એ. જાની, ગીતાબેન એમ. જાની અને રશિદાબેન એ. અગવાન નિવૃત્ત થતાં મોક્ષ મંદિરના સંચાલક દ્વારા આ ચારેયનો અલાયદો નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામજનોની વિશાળ હાજરીમાં ગામના મોક્ષધામમાં યોજાયો હતો. ત્રણ નિવૃત્તોને મેલડીમાતાની છબી તથા તેડાગર રશીદાબેને કુરઆન શરીફ ભેટ આપ્યું હતું. આમ નોકરીની નિવૃત્તિનો ઉત્સવ જીવનની નિવૃત્તિના સ્થળે એટલે મોક્ષ મંદિરમાં સંચાલક ભગીરથગીરી ગોસાઇ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને સ્નેહીજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. આમ હોટલ કે રેસ્ટોરન્ટમાં ઉજવણીના સ્થાને જીવનના અંતિમ પડાવ મોક્ષ મંદિરમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજી નવો દાખલો બેસાડયો હતો.
બોક્સ
મોણપરનું મોક્ષ મંદિર અનેક સુવિધાસભર બનતા ગ્રામજનોનું આસ્થાનું પ્રતિક
મહુવાના મોણપર ગામે આવેલ સાર્વજનીક મોક્ષ મંદિર પણ પોતાની આગવી વિશેષતા ધરાવે છે જ્યાં દ્વાદશ જ્યોતિર્લીંગ, ૪૦૦ વ્યક્તિ એક સાથે વસી શકે તેવો શેડ, વટેમાર્ગુ માટે બેસવા, રહેવા અને જમવાની સુવિધા પણ કરાઇ છે તો દર ૧૫ દિવસે આરોગ્ય કેમ્પની પ્રવૃત્તિ, ઉનાળામાં છાશ વિતરણ, અવેડા, શિવરાત્રીએ જમણવાર સહિતના કાર્યક્રમો પણ અહી થાય છે. આ સાથે અહિ મહિલા મંડળ પણ સારી સેવા બજાવી રહી છે જેઓ અસ્થિ, રાખ, પાટની નિયમિત સાફ સફાઇ કરે છે અને અંધશ્રદ્ધા સામે પણ લાલ બતી ધરી છે.