Get The App

બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ રહી છે

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ રહી છે 1 - image

વડોદરાઃ યુજીસીનો વિવાદિત કાયદો,  જાતિ- ધર્મ અને કોમવાદના મુદ્દાઓ પર ચર્ચા થાય છે પણ તેનાથી વધારે જરુર દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી પર ચર્ચા કરવાની છે.આગામી વર્ષોમાં આ જ સૌથી મોટો મુદ્દો હશે તેમ કેન્દ્રમાં શિક્ષણ, કોલસા મંત્રાલયમાં સેક્રેટરી રહી ચૂકેલા અને પાંચ જેટલા પુસ્તકો લખનાર પૂર્વ આઈએએસ ઓફિસર અનિલ સ્વરુપે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.

તેમના કહેવા પ્રમાણે સૌથી વધારે રોજગારી એમએસએમઈ એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગો આપે છે.તેમની જ ઉપેક્ષા થઈ રહી છે.આવા ઉદ્યોગો શરુ કરવા માંગતા લોકોને મંજૂરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવાય છે.તેમના માટે કોઈ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ નથી.તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ જ નથી કરાયો.આવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની જરુર છે.આ સમસ્યાનું સમાધાન એ છે કે, ટેકનોલોજીની મદદથી તમામ પ્રકારની મંજૂરી માટે ઈન્કમટેક્સ વિભાગની જેમ ફેસલેસ સિસ્ટમ લાગુ કરવામાં આવે.ભારતમાં જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હશે તો સરકારના તમામ વિભાગોમાં લોકોને જવુ જ ના પડે અને ઓનલાઈન કામગીરી થાય તેવા પ્રયત્નો કરવા પડશે.

પારુલ યુનિ.ના વડોદરા લિટરેચર ફેસ્ટિવલના અંતિમ દિવસે લેકચર આપવા આવેલા અનિલ સ્વરુપે કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયાની યોજના સારી છે પણ તેનો અમલ કરાયા બાદ તેના થકી કેટલી રોજગારીની તકો ઉભી થઈ તે જાણવાનો પ્રયાસ જ કરાયો નથી.પહેલાની અને અત્યારની સરકારમાં બહુ ફરક નથી.ફરક એટલો જ છે કે, વર્તમાન સમયમાં જાહેરમાં ટીકા કરવાનો લોકોને થોડો ડર લાગે છે.સમસ્યા રજૂ કરનારાઓને દેશદ્રોહીનું લેબલ લાગી જાય છે.

રાજકીય પક્ષોની પ્રાથમિકતા શિક્ષણ નહીં પણ ચૂંટણી જીતવાની છે

અનિલ સ્વરુપે કહ્યું હતું કે,  રાજકીય પક્ષોની પ્રાથમિકતા ચૂંટણી જીતવાની છે માટે શિક્ષણની ચિંતા કોઈને કરવી નથી.શિક્ષણ માટે દેશની જીડીપીના ૬ ટકા જેટલી રકમ ફાળવવાની જરુર છે.જ્યારે ભારતમાં માંડ બે કે ત્રણ ટકા રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવે છે.સરકારની અન્ય નીતિઓની જેમ નવી શિક્ષણ નીતિ સારી છે પણ સવાલ તેના અમલનો છે.રાજ્યોને નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં મુશ્કેલી પડી રહી છે તે હકીકત છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, અગાઉની સરકારમાં વધારે પડતું વિકેન્દ્રીકરણ હતું અને અત્યારની સરકારમાં વધારે પડતું કેન્દ્રીકરણ છે.જેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.અત્યારે નાની - મોટી તમામ બાબતોમાં મંત્રીઓ અને અધિકારીઓને પીએમઓની મંજૂરી પહેલા લેવી પડે છે.