imgae : ai imgae
Surat : ઉત્સવની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ અન્ય તહેવારની જેમ ઉતરાયણની ઉજવણી પણ ભવ્ય રીતે કરે છે. સુરતીઓ પતંગ ચગાવવા સાથે સાથે ખાણીપીણીને પણ વધુ મહત્વ આપે છે. ઉતરાયણના દિવસે સુરતમાં હજારો કિલો ઉંધીયાનું વેચાણ થાય છે પરંતુ આ વર્ષે પતંગ ઉંચે ઉડે કે નહીં ઉડે પણ ઉંધીયાના ભાવ આસમાન પર પહોંચી ગયા છે. ગત વર્ષે પાપડીના ભાવ ઉતરાયણના દિવસે 700 રૂપિયા કિલો પર પહોંચી ગયા હોય આ વર્ષે વેપારીઓએ પહેલેથી જ ઉંધીયાના ભાવ 600 રૂપિયા કિલો કરી દીધા છે.
ઉતરાયણના તહેવારને લઈને સુરતમાં ઉત્સાહ ચરમસીમાએ છે, પરંતુ આ વર્ષે ઉત્સાહ સાથે મોંઘવારી પણ ઊંચે ઉડી રહી છે. પતંગ અને ફીરકીના ભાવમાં પહેલેથી જ વધારો નોંધાયો છે, ત્યારે હવે ઉતરાયણની ખાસ ખાણીપીણી પણ સામાન્ય લોકોની પહોંચથી બહાર જતી દેખાઈ રહી છે. સુરતીઓ ઉતરાયણના દિવસે ધાબા પર કે સોસાયટીમાં ઊંધિયા પાર્ટી કરતા હોય છે. સુરતમાં ઉતરાયણમાં ઉંધીયાનો ક્રેઝ વધુ છે તેથી કેટલાક શાકભાજીના વેપારીઓ તકનો લાભ ઉઠાવી લેતા હોય છે જેની સીધી અસર ઉંધીયાના ભાવ પર જોવા મળી રહી છે.
ચૌટા બજારમાં ઉંધીયાનું વેચાણ કરતા રિધ્ધિશ ઠાકર કહે છે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉંધીયુ બનાવવા માટે ઉપયોગમાં આવતી સામગ્રીનો ભાવ પહેલાથી જ વધી ગયો છે. ગત વર્ષે તો પાપડીનો ભાવ 700 રૂપિયા કિલો પર થઈ ગયો હતો. ઉંધીયા માટે ઉપયોગમાં આવતી પાપડી એવી સામગ્રી છે કે થોડા દિવસ પહેલા લાવી સંગ્રહ કરી શકાતો નથી. આ ઉપરાંત તાજી પાપડી હોય તો જ ઉંધીયાનો ટેસ્ટ યોગ્ય આવે છે. ઉતરાયણના દિવસે પાપડીનો ભાવ વધી જતો હોય છે. આ ઉપરાંત રતાળું 50 થી 60 રૂપિયા કિલો મળતું હતું કે વધીને 90 થી 100 રૂપિયા થઈ ગયું છે. આ ઉપરાંત બટાકા સાથે સિંગતેલના ભાવમાં પણ ગત વર્ષ કરતા વધારો છે તેથી ઉંધીયાના ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે.
કેટરર્સનું કામ કરતા જશવંત ત્રિવેદી કહે છે, ઉતરાયણના દિવસે સોસાયટીમાં ઊંધિયા પાર્ટી થાય છે તેથી લોકો ઉંધીયા અને પુરીના ઓર્ડર આપે છે ગત વર્ષે 380 રૂપિયા કિલો ઉંધીયાનું વેચાણ કર્યું હતું પરંતુ આ વર્ષે ઉંધીયાના રો-મટીરીયલ્સમાં ભારે વધારો થયો છે તેથી ઉંધીયાના ભાવમાં વધારો કરવો પડવાની ફરજ પડી છે.
માત્ર મિત્ર મંડળ માટે બનાવતા કેટલાક લોકો 250 રૂપિયા કિલોની આસપાસ વેચાણ કરે છે
સુરતમાં ધંધાદારી વેપારીઓની સાથે કેટલાક એવા પણ છે જેઓ માત્ર ફ્રેન્ડ સર્કલ માટે જ ઉંધીયું બનાવે છે. નહી નફો નહી નુકશાનના સૂત્ર સાથે ઉંધીયુ બનાવવા માટે બે દિવસ પહેલાં જ ખેતરથી સીધી પાપડી લઈ લે છે અને 250 રૂપિયા કિલોનું વેચાણ કરે છે. કતારગામ વિસ્તારમાં માત્ર તહેવારોમાં ફ્રેન્ડ સર્કલ માટે જ ઉંધીયું બનાવતા ઉમંગ વરિયા કહે છે, બજારમાં ઉંચા ભાવે ઉંધીયું વેચાય છે તે સાચી વાત છે પરંતુ અમે અમારા સર્કલ માટે જ ઉંધીયું બનાવીએ છીએ અને તેથી પાપડી-રતાળું ઓછી માત્રામાં જોઈએ છે અને તે અમે સીધા કતારગામની વાડીમાંથી મંગાવી લઈએ છીએ તેથી સસ્તુ પડે છે. અને અમારો ધ્યેય અમારા મિત્રો તહેવારની ઉજવણી સારા ટેસ્ટ સાથે કરે છે તેથી ઘણાં ઓછા ભાવે એટલે કે 250 રૂપિયા કિલોમાં જ આપીએ છીએ


