જોરાવરનગર શાક માર્કેટમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાયા

વારંવાર ગટર ચોકઅપ થવાની સમસ્યાથી રોષ
મનપા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં સાંભળવા કોઈ તૈયાર નથી
સુરેન્દ્રનગર - જોરાવરનગર શાકમાર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ વાંરવાર સર્જાતી ગટર ચોકઅપ થવાની સમસ્યાને કારણે દૂર્ગંધ મારતું ગંદુ પાણી બહાર રેલાઈ રહ્યું છે. જેનાથી રોગચાળો ફેલાય તેવી દહેશત સર્જાઈ છે.
ગટરના પાણી રસ્તા પર ભરાઇ રહેતા ઘરાકી ઘટી જતાં દુકાનદારો અને લારીધારકોને આર્થિક ફટકો પડયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર મનપાના સફાઇ કર્મીઓ ભૂગર્ભ ગટરની નિયમિત સફાઇ કરવા નથી આવતા જેના કારણે ગટરમાં કચોર ફસાઇ જતાં ચોકઅપ થઇ જતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ગટરની સમસ્યા અંગે ભુતકાળમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી. રસ્તા પર દૂષિત પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેમજ મચ્છરજન્ય અને ચામડીના રોગ થવાની ભીતિ સેવાઇ રહી છે. મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી પોતાની આળસ ખંખેરી શાક માર્કેટમાં ઊભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી વેપારીઓ, લારીધારકો અને રહિશોમાં માંગણ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સ્વચ્છતા પાછળ સૌથી મોટું બજેટ ફાળવે છે. સેનિટેશન વિભાગને સ્પેશિયલ ગ્રાન્ટો પણ તંત્ર દ્વારા ફાળવવામાં આવી રહી છે તેમ છતાં સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકી જોવા મળી રહી છે.

