Get The App

ડિજિટલ ઈન્ડિયાના થીમ અંતર્ગત અમદાવાદના કરદાતા પ્રોપર્ટીટેક્ષની તમામ અરજી ઓનલાઈન કરી શકશે

પ્રોપર્ટી અને પ્રોફેશન ટેક્ષ અંગે નો ટેકસ ડયૂ સર્ટિફિકેટ પણ આપવામા આવશે

Updated: Nov 1st, 2022

GS TEAM

Google News
Google News
ડિજિટલ ઈન્ડિયાના થીમ અંતર્ગત  અમદાવાદના કરદાતા પ્રોપર્ટીટેક્ષની તમામ અરજી ઓનલાઈન કરી શકશે 1 - image

     

  અમદાવાદ,મંગળવાર, 1 નવેમ્બર,2022

ડિજિટલ ઈન્ડિયાના થીમ અંતર્ગત અમદાવાદના કરદાતાઓ તેમની પ્રોપર્ટીટેક્ષને લગતી તમામ અરજી ઓનલાઈન કરી તેમની અરજીનો નિકાલ કરી શકશે.ઉપરાંત પ્રોપર્ટી અને પ્રોફેશન ટેક્ષ અંગે સરકારી કામકાજમા જરુરી બનતા નો ટેકસ ડયૂ સર્ટિફિકેટ પણ કરદાતાઓને ટેક્ષની રકમ શૂન્ય કરવા બદલ આપવામા આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ અદ્યતન કરવામા આવ્યા બાદ હવે શહેરીજન ઘેરબેઠા પણ પ્રોપર્ટીટેક્ષ સંબંધિત અરજી જેવી કે મિલકતમાં માલિકના નામમા ફેરફાર કરવા, કબજેદારના નામમા ફેરફાર કરવા, ટેક્ષ ઘટાડા અંગે તથા મિલકત ખાલી અથવા નોનયુઝ અંગેની અરજી ઓનલાઈન કરી તેનો નિકાલ કરાવી શકશે.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા પ્રમાણે, નવી મિલકતનુ એસેસમેન્ટ કરવાનુ હોય કે સોલારરુફટોપ ઈન્સેન્ટિવ  સ્કીમ અથવા તો ડિવિઝન બીલ કે પછી પ્રોપર્ટીટેક્ષની ચૂકવણી કરવાની હોય અથવા તો નામ ટ્રાન્સફર અંગે ફી ભરવાની હોય આ તમામ પ્રક્રીયા કરદાતા ઓનલાઈન માધ્યમથી કરી શકશે.

કોઈ કરદાતા વેબસાઈટથી અરજી કરવામા અસમર્થ હોય તેવા કીસ્સામા તે નજીકના સિવિક સેન્ટર કે ઝોન ઓફિસ ઉપર જઈ કર્મચારીઓની મદદથી પણ ઓનલાઈન અરજી કરી શકશે.વેબસાઈટની મદદથી અરજી કરનારા કરદાતાએ જરુરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.આમ કરવાથી તેમને કયૂઆર કોડ સાથેની રસીદ આપવામા આવશે.જેની મદદથી અરજદાર તેની અરજીનુ સ્ટેટસ જાણી શકશે.મિલકતના ખરીદ-વેચાણ કે કેટલાક સરકારી કામ માટે નો ટેક્ષ ડયૂ સર્ટિફિકેટ માંગવામા આવે છે.ઉપરાંત ભાડુઆતના કીસ્સામા પ્રોફેશન ટેક્ષ બાકી હોય છતા મિલકત લેનારને તેનો ખ્યાલ હોતો નથી.આવા કીસ્સાઓમાં પ્રોપર્ટી કે પ્રોફેશન ટેક્ષની રકમ શૂન્ય કરવા બદલ નો ટેક્ષ ડયૂ સર્ટિફિકેટ  પી.ડી.એફ.ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે.ઓનલાઈન અરજી વોર્ડ ઓફિસરના લોગઈનમા તરત ઉપલબ્ધ થતી હોવાથી ઝડપથી અરજીનો નિકાલ થઈ શકશે.