Get The App

'ઓપરેશન કારાવાસ' હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
'ઓપરેશન કારાવાસ' હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા 1 - image

વડોદરાઃ વડોદરા શહેર પોલીસે વર્ષ દરમિયાન જુદાજુદા રાજ્યોમાં લાંબા સમયથી આશરો લઇ રહેલા ૧૮૯ ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી છે.નવા વર્ષે પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.

શહેર પોલીસ કમિશનરે વડોદરામાં ગુનાઓ આચરી વર્ષોથી ફરાર થઇ ગયા હોય તેવા ૬૫૦થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરાવી ઓપરેશન કારાવાસ હાથ ધર્યું હતું.જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચાર ઝોનના ડીસીપીની એક એક ટીમ મળી કુલ છ ટીમો લાંબા સમયથી વિવિધ રાજ્યોમાં ફરી રહી હતી.

આખા વર્ષ દરમિયાન પોલીસે કુલ ૧૮૯ ગુનેગારોને શોધી કાઢ્યા છે.જેમાં ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી ફરાર થઇ ગયા હોય તેવા ૫૦ ગુનેગારોનો સમાવેશ થાય છે.

પોલીસે જુદાજુદા રાજ્યોમાંથી  પકડેલા ઉપરોક્ત આરોપીઓમાં શરીર સબંધી ગુનાઓ આચરનારા ૪૯ અને મિલકત સબંધી ગુના આચરનારા ૯૨ આરોપીઓ છે.જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના ઠગાઇના કેસનો આરોપી રાજકુમાર યાદવ તો ગુનો નોંધાયા બાદ ૩૨ વર્ષ પછી પકડાયો છે.

પોલીસે એક વર્ષમાં 22.38 કરોડની મતા લોકોને પરત કરી

૧૮૪૦ લોકોને ચોરી,લૂંટ,સાયબર ફ્રોડની રકમ,વાહનો,મોબાઇલ સહિતની ચીજો પાછી મળી

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર

વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ-૨૦૨૫ દરમિયાન વડોદરાવાસીઓને ચોરી તેમજ અન્ય ગુનાઓમાં ગુમાવેલી રૃ.૨૨.૩૮ કરોડની રકમ પરત કરી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.  પોલીસ દ્વારા ચોરી લૂંટફાટ જેવા કેસોનો મુદ્દા માલ, છેતરપિંંડી તેમજ સાયબર ફ્રોડના બનાવોમાં રિકવર કરેલી રકમ અને દાગીના,વાહનો,મોબાઇલ સહિતની ચીજો પરત કરવા માટે તેરા તુજકો કાર્યક્રમ યોજવામાં આવે છે.

પોલીસ કમિશનર દ્વારા આજે યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં ૬૯૮ લોકોને ૧.૪૧ કરોડની રોકડ તેમજ ચીજો પરત કરવામાં આવી હતી.જ્યારે સાયબર ફ્રોડ નો ભોગ બનેલા ૩૪૯ લોકોને ૪૪ લાખ રોકડ પરત કરવામાં આવીહતી.આમ,વર્ષ-૨૦૨૫ દરમિયાન કુલ ૧૮૪૦ લાભાર્થીઓને તેમણે ગુમાવેલી રોકડ અને ચીજો પરત મળીછે.