Get The App

ખંભાળિયાના બજાણા ગામે નિર્માણાધીન વીજટાવર ધરાશાયી, બે શ્રમિકોના મોત

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
ખંભાળિયાના બજાણા ગામે નિર્માણાધીન વીજટાવર ધરાશાયી, બે શ્રમિકોના મોત 1 - image


એક ખાનગી કંપનીની ચાલતી કામગીરી દરમિયાન દુર્ઘટના

૨૨૦ કે.વી. વીજલાઈનના વાયર ખેંચીને ફિટીંગ કરી રહ્યા હતા ત્યારે દળદાર એંગલોનો ટાવર તૂટતા અન્ય બે મજુરો ઘાયલ

જામ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આજરોજ બપોરે વીજ કંપનીનો દળદાર એંગલોનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પરપ્રાંતીય શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મજુર યુવાનો ઈજાગ્રસ્ત થયાનું પણ જાણવા મળ્યું છે. તેઓ ૨૨૦ કે.વી. વીજલાઈનના વાયર ખેંચીને ફિટીંગ કરી રહ્યા હતા ત્યારે દળદાર એંગલોનો ટાવર તૂટયો હતો. જે મામલે પોલીસ અને વીજકંપની દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે એક ખાનગી કંપનીના વીજ ટાવરનું કામ ચાલી રહ્યું છે. અહીં આજરોજ બપોરે આશરે એક વાગ્યાના સમયે ૨૨૦ કે.વી. વીજ લાઈનના વાયર ખેંચીને ફિટીંગ કરવા અંગેની કામગીરી ચાલુ હતી, એ સમયે જ ત્યાં કામકાજ કરી રહેલા કેટલાક શ્રમિકો પર એકાએક વજનદાર એંગલોનો ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે અહીં કામ કરી રહેલા પશ્ચિમ બંગાળ રાજ્યના માલદા જિલ્લાના મૂળ રહીશ અને હાલ બજાણા ગામે રહીને અહીં મજુરીકામ કરતા તન્મય પ્રિયંજન મુર્મુ (ઉ.વ. ૨૪) અને ઈસ્તારૂન મજેદ શેખ (ઉ.વ. ૨૧) નામના બે યુવાનોના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કરુણ મોત નિપજ્યા હતા. પરિણામે ભારે ગભરાટ સાથે અફરાતફરી મચી જવા પામી હતી.

આ ઉપરાંત અહીં કામ કરી રહેલા અન્ય બે યુવાનો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાણવડ તાલુકાના ચાંદવડ ગામના રહીશ વિજયભાઈ ભીખાભાઈ ભોચીયાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

Tags :