'પોલીસ કે તારા રાજકારણી મને ગોતી નહીં શકે, મારૂ કંઈ બગાડી નહીં શકે' : ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ મેસેજ અને કોલમાં ધમકી : કોંગોમાં રહેતા મૂળ તાલાલા તાલુકાના શખ્સે ફોન કર્યા હતા : 2 સાગરિત પકડાયાઃ શા માટે ખંડણી માંગી તે અંગે પોલીસનું તપાસનું રટણ
જૂનાગઢ, : ભાજપના રાજમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. જૂનાગઢના ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયાને ઇન્ટરનેશનલ નબર પરથી ફોન કરી ગાળો આપી ૩૦ લાખ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે જૂનાગઢ એલસીબીએ અમદાવાદ અને વેરાવળના શખ્સને પકડી પૂછપરછ કરી તો બહાર આવ્યું કે મૂળ તાલાલાના ચિત્રાવડના અને હાલ આફ્રિકાના કોંગોમાં રહેતા શખ્સે ઇન્ટરનેશનલ કોલ કર્યા હતા તેમજ પોતાના સાગરિતો મારફત પણ કરાવ્યા હતા. એલસીબીએ હાલ બે શખ્સને પકડયા છે પરંતુ શા માટે ધારાસભ્યને ધમકાવી ખંડણી માંગવામાં આવી એ વિશે હજુ તપાસ ચાલતી હોવાનું રટણ પોલીસ કરી રહી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, શહેરના ઝાંઝરડા રોડ પર રહેતા જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા ગત તા. 26ના બપોરે ઘરે હતા ત્યારે વિદેશના નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તેમાં અજાણ્યા શખ્સે અપશબ્દો બોલી 30 લાખની ખંડણી માંગી હતી. તા. 27ના ફરી આ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, આથી ધારાસભ્યએ નંબર બ્લોક કરી દીધો હતો. તા. 28ના ફરી અન્ય ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ પર મેસેજ અને કોલ આવ્યા હતા, જેમાં ધારાસભ્યને ગાળો આપી 30 લાખ ખંડણી માંગવામાં આવી હતી. પૈસા ન આપે તો ધારાસભ્યના પરિવારને મારી નાખવા કોલરે ધમકી આપી હતી તેમજ આ શખ્સે વોટ્સએપ કોલમાં 'મારી સાથે બીજા પણ માણસો છે, ગુજરાત પોલીસ કે તારા કોઈ રાજકારણીઓ મને ગોતી શકશે નહીં અને મારૂ કઈ બગાડી શકશે નહીં' એમ કહી ફરી ધમકી આપી હતી. બાદમાં અમદાવાદના રોનક ઠાકુરના મોબાઈલ નંબર આપી 5 લાખ તેના નામનું આંગડીયું કરવા કહ્યું હતું.
ધારાસભ્યએ આ અંગે પોલીસને જાણ કરતાં એસ.પી.એ LCBને તપાસ સોંપી હતી. LCBએ ટેકનિકલ સ્ત્રોત અને બાતમીના આધારે અમદાવાદના ભાડજના અલજી પલજી ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા રોનક રાજુ ઠાકોર અને વેરાવળના ઇમરાન ઉર્ફે જોન નૂરમહમદ સીમારીને પકડી લીધા હતા.
એસ.પી. સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મૂળ તાલાલા તાલુકાના ચિત્રાવડના અને હાલ દક્ષિણ આફ્રિકાના કોંગોમાં રહેતા સમીર ગાલીફ રીંગબ્લોચે ધારાસભ્યને ફોન કરી ધમકી આપી ખંડણી માંગી હતી. બાદમાં ઇમરાન ઉર્ફે જોન મારફત ફોન કરાવી ધમકી અપાવી 30 લાખની ખંડણી માંગી હતી અને અમદાવાદના રોનકના નામનું પાંચ લાખનું આંગડીયું કરવા કહ્યું હતું. રોનક અને ઇમરાન હાલ કોંગોમાં રહેતા સમીર ગાલીફ રીંગબ્લોચના સાગરિત છે. શા માટે ધારાસભ્યને ધમકી આપી ખંડણી માંગી તે મુખ્ય આરોપી પકડાય ત્યારે જાણવા મળશે, હાલ પકડાયેલા બંને શખ્સની પૂછપરછ અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભાજપના રાજમાં લુખ્ખાઓ જાણે બેફામ બન્યા હોય એવી હાલત છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક પરંતુ બે લાખ લોકોએ ચૂંટેલા પ્રજાના પ્રતિનિધિ અને શાસક પક્ષના ધારાસભ્યને પણ ફોન પર ધમકાવી ખંડણી માંગ્યાની ઘટનાથી અનેક સવાલ ઉઠયા છે.


