ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશાન, સરકારી જમીનોનું ધોવાણ
બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો, રજૂઆત કરનારા ગ્રામજનો સાથે
દાદાગીરી- ભૂમાફિયાઓ સામે કાર્યવાહીની
માંગ
સુરેન્દ્રનગર- સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો ભંડાર છે, પરંતુ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીની
ફરિયાદો સતત વધી રહી છે. ખાસ કરીને મુળી પંથકમાં કાર્બોેસેલની સાથે સફેદ માટીનું ગેરકાયદેસર
ખનન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
મુળી તાલુકાના સરા, સડલા, દુધઈ, ખંપાળિયા,
ગઢડા સહિતના ગામોમાં મોડી રાત્રે ભૂમાફિયાઓ દ્વારા વાહનો લઈ સીમ વિસ્તારમાં
સફેદ માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સરકારી અને ગૌચર
જમીનોને નુકસાન પહોંચાડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર ખનન દરમિયાન થતા બ્લાસ્ટિંગને
કારણે આસપાસના રહેણાક મકાનોમાં મોટી તિરાડો પડી છે, જેનાથી નુકસાન
થઈ રહ્યું છે. જમીનમાં પાણી સંગ્રહ કરવાના સ્ત્રોેત પણ તૂટી જાય છે. આ અંગે ગ્રામજનો
દ્વારા ભૂમાફિયાઓને રજૂઆત કરવામાં આવે તો તેઓ બોલાચાલી અને દાદાગીરી કરે છે. સ્થાનિક
તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓ કાર્યવાહી
કરવાને બદલે મૂકપ્રેક્ષક બનીને ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપી રહ્યા હોવાના આક્ષેપો
સાથે મુળી તાલુકામાં આ સફેદ માટીનું ખનન રોકવા અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા
માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.


