વાસદ તારાપુર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માતમાં મામા, ભાણેજના મોત

- સુદણ ફાટક પાસે ટ્રક, લક્ઝરી બસ વચ્ચે રિક્ષાનો બુકડો
- પેટલાદની મલાવ ભાગોળે રહેતા મામા ભાણેજની રિક્ષામાં વડોદરા ફ્રૂટ જવા નીકળ્યા હતા
પેટલાદની મલાવ ભાગોળે રહેતા શંકરભાઈ મફતભાઈ તળપદા તથા તેમના મોટાભાઈ મહેન્દ્રભાઈ તળપદા સાથે ફ્રૂટની લારી ચલાવે છે. તેમનો ભાણો દિલીપભાઈ જસભાઈ તળપદા રીક્ષા ચલાવે છે. ગઈકાલ રાતે દિલીપ તળપદા અને મામા મહેન્દ્રભાઈ રિક્ષામાં પેટલાદથી વડોદરા ફ્રૂટ જવા નીકળ્યા હતા. મોડી રાતે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓની રીક્ષા તારાપુર વાસદ હાઇવે ઉપર આવેલા સુદણ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી પુરઝડપે ટ્રકના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા આગળ જઈ રહેલી લક્ઝરી બસના પાછળના ભાગે અથડાઈ હતી. ટ્રકની ગતિ વધુ હોવાથી બસ અને ટ્રકની વચ્ચે રિક્ષા લોચો વળી ગઈ હતી. રિક્ષામાં સવાર મહેન્દ્રભાઈ તથા તેમના ભાણેજ દિલીપભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
ગંભીર ઈજાગ્રસ્ત મામા, ભાણેજના અકસ્માતમાં મોત થયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









