Gujarat

દુષ્કર્મ ગુજારી ભાણીને ગર્ભવતી બનાવનારા મામાની ધરપકડ

By GS TEAM
24 Jun 20252 mins read
દુષ્કર્મ ગુજારી ભાણીને ગર્ભવતી બનાવનારા મામાની ધરપકડ

- રજાઓમાં આંકલાવ મામાના ઘરે સગીરા જતી હતી

- સગીરાએ મૃત શિશુને જન્મ આપતા પોલીસે ડીએનએ ટેસ્ટિંગની કારમગીરી હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રજાઓ ગાળવા મામાના ઘરે આવતી સગીરા ઉપર સગા મામાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાના બનાવમાં પોલીસે દુષ્કર્મ ગુજારનારા મામાની ધરપકડ કરી હતી. સગીરાએ મૃત શિશુને જન્મ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ડીએનએ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. 

ખેડા જિલ્લાના એક ગામમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા રજાઓ દરમિયાન આંકલાવ બસ સ્ટેન્ડ પાછળ રહેતા તેના મામાના ઘરે ગઈ હતી. જ્યાં રાત્રિના સુમારે સગા મામાએ વાસનામાં અંધ બની સગીર ભાણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રજાઓ દરમિયાન જ્યારે જ્યારે સગીરા મામાના ઘરે જતી ત્યારે આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મામાએ બેથી ત્રણ વાર સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સગીરાને છ માસનો ગર્ભ રહી ગયો હતો. 

સગીરાને પેટમાં દુઃખાવો થતાં તેણીને હોસ્પિટલમાં લઈ જવાતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટયો હતો. ચકલાસી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આકલાવ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરાઈ હતી. આકલાવ પોલીસે આજે આરોપી મામાની ધરપકડ કરી હતી. જોકે પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે આ ફરિયાદ અંગે કંઈ પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ સગીરાએ મૃત શિશુને જન્મ આપ્યો હોવાથી મામા દ્વારા દુષ્કર્મની કબુલાત કરવામાં ન આવતા પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટિંગ માટે નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.